
ભાવનગર, 26 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આવતા અરજદારોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તે હેતુથી રોડ સેફ્ટી અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કચેરી ખાતે આવેલા અરજદારો અને વાહનચાલકોને ટ્રાફિકના નિયમો તેમજ માર્ગ સલામતીના વિવિધ પાસાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
સેમિનાર દરમિયાન વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, વાહનની ગતિ મર્યાદામાં રાખવા, હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા તથા વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માર્ગ અકસ્માતો અટકાવવા માટે વાહનચાલકોની જવાબદારી અને સાવચેતીનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, અકસ્માત સમયે ઘાયલોને સમયસર મદદ મળી રહે તે હેતુથી રાહવીર યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. અકસ્માતના પીડિતોને સમયસર તબીબી સારવાર મળી રહે તે માટેની PM-RAHAT યોજના અંગે પણ અરજદારોને સમજણ આપવામાં આવી હતી.
સેમિનારનો મુખ્ય ઉદ્દેશ વાહનચાલકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ વધારવાનો અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવાનો હતો. આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા જવાબદાર વાહનચાલનને પ્રોત્સાહન મળે છે અને માર્ગ સલામતી અંગે લોકો વધુ જાગૃત બને છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA