પાટણ HNGUની સેમેસ્ટર પરીક્ષામાં વધુ 15 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા
પાટણ, 29 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) દ્વારા યોજાઈ રહેલી સેમેસ્ટર પરીક્ષાઓમાં ગેરરીતિઓ અટકાવવા માટે ફ્લાઈંગ સ્કોડની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વિવિધ પરીક્ષા કેન્દ્રો પર આકસ્મિક ચેકિંગ
પાટણ HNGUની સેમેસ્ટર પરીક્ષામાં વધુ 15 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા


પાટણ, 29 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) દ્વારા યોજાઈ રહેલી સેમેસ્ટર પરીક્ષાઓમાં ગેરરીતિઓ અટકાવવા માટે ફ્લાઈંગ સ્કોડની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વિવિધ પરીક્ષા કેન્દ્રો પર આકસ્મિક ચેકિંગ દરમિયાન ગેરરીતિ આચરતા વધુ 15 વિદ્યાર્થીઓ ઝડપાઈ ગયા હતા. આ તમામ વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટીના નિયમો મુજબ કોપી કેસ દાખલ કરવામાં આવ્યા છે. પરીક્ષાઓ સંપૂર્ણ પારદર્શક અને શિસ્તબદ્ધ વાતાવરણમાં યોજાય તે માટે યુનિવર્સિટી તંત્ર દ્વારા લોકલ સ્કોડ અને ફ્લાઈંગ સ્કોડની વિશેષ ટીમો કાર્યરત રાખવામાં આવી છે.

યુનિવર્સિટી દ્વારા ગત 22 ઓક્ટોબરથી વિવિધ વિદ્યાશાખાઓની સેમેસ્ટર પરીક્ષાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલમાં બી.એ., બી.એસસી., બી.કોમ. સેમેસ્ટર-5 તેમજ અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર-3 સહિત અંદાજે 35 જેટલા વિવિધ કોર્સની પરીક્ષાઓ યોજાઈ રહી છે. સમગ્ર યુનિવર્સિટી વિસ્તારનાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર આશરે 50 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાનું સંચાલન શાંતિપૂર્ણ અને નિયમોનુસાર થાય તેમજ કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ફ્લાઈંગ સ્કોડની ટીમો દ્વારા અચાનક પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ વર્ગખંડોમાં તપાસ કરવામાં આવી રહી છે.

યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ તમામ પરીક્ષા કેન્દ્રો પર સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. પરીક્ષા દરમિયાન ગેરરીતિ કે નકલ કરનાર વિદ્યાર્થીઓ સામે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. નિયમોનો ભંગ કરનાર વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટીના નિયમો અનુસાર કડક શિક્ષાત્મક અને વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પરીક્ષાની વિશ્વસનીયતા જળવાઈ રહે અને વિદ્યાર્થીઓ નિષ્પક્ષ રીતે પરીક્ષા આપે તે માટે યુનિવર્સિટી તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande