
સુરત, 29 ઓક્ટોબર (હિ.સ.) : સુરત જિલ્લામાં આજે તા.૩૦મીએ ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ' ની ભવ્ય ઉજવણી નગરપાલિકા, તા.પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ કરવામાં આવશે. વડાપ્રધાન પી.એમ.કિસાન યોજનાનો ૨૪મો હપ્તો રિલીઝ કરશે. જેમાં જિલ્લા પંચાયતની ૩૬ બેઠક દીઠ બે જગ્યાએ એટલે કે ૭૨ જગ્યાએ સવારે ૧૦.૦૦ વાગ્યે પીએમ કિસાન ઉત્સવના કૃષિલક્ષી કાર્યક્રમો યોજાશે. સુરત જિલ્લાના ૧.૧૬ લાખના ખેડુતોના ખાતામાં રૂ.૨૦૦૦ના હપ્તા લેખે રૂા.૨૩.૨૦ કરોડની રકમ જમા થશે.
સુરત શહેરના પનાસ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલ ઉપસ્થિત રહેશે. સુરત જિલ્લાના માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સાંસદ પ્રભુભાઈ વસાવા, જિ.પંચાયતના પ્રમુખ સમીર મોદી, ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ, વિવિધ સમિતિઓના ચેરમેનો, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમોમાં કૃષિ, બાગાયત સહકારી મંડળી, પેક્સના સભ્યો, કિસાન સહકારી મંડળી, ગ્રામ પંચાયતના સભ્યો સહિતના લાભાર્થીઓ જોડાશે. આ ઉપરાંત, કિસાન વિકાસ કેન્દ્ર, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, પ્રધાનમંત્રી સમૃદ્ધિ કેન્દ્રો સહિતના સભ્યો સહભાગી થશે મહિલા સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપવા માટે સખી મંડળો દ્વારા સ્ટોલ પણ ઉભા કરાશે. ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી, આર્થિક સહાય અને કૃષિ ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડવાની સાથે પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત વડાપ્રધાનના સંબોધનનું દેશનાં તમામ કાર્યક્રમોમાં વેબકાસ્ટિંગ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. ખેડૂતો અને નાગરિકો pmindiawebcast.nic.in વેબસાઇટ પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકશે. રાજ્યમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, APMC, PACS, PMKSK અને FPO ખાતે પણ કાર્યક્રમો યોજાશે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ફેબ્રુઆરી-૨૦૧૯થી અમલમાં છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે રૂ. ૬,૦૦૦ની સહાય ત્રણ સમાન હપ્તામાં, દર ચાર મહિને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.)ના માધ્યમથી સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને યોજનાના પ્રથમ ૨૩ હપ્તાઓ હેઠળ કુલ રૂ. ૪.૪૭ લાખ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ જાહેર થનારા ૨૪મા હપ્તા હેઠળ દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ.૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય ડી.બી.ટી.ના માધ્યમથી ચૂકવવામાં આવનાર છે. ગુજરાત રાજ્યમાં પણ ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં રૂ. ૧,૦૫૧ કરોડથી વધુની સહાય જમા થનાર છે. રાજ્યમાં પ્રથમથી ૨૩મા હપ્તા સુધીમાં ૬૯.૨૬ લાખથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને કુલ રૂ. ૨૪,૧૩૭ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. સુરત જિલ્લાના ૧.૧૬ લાખ ખેડુતોના ખાતામાં રૂ. ૨૩.૨૦ કરોડની રકમ જમા થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે