
ગીર સોમનાથ, 29 ઓક્ટોબર (હિ.સ.) : GHCL ફાઉન્ડેશનના સહયોગથી સ્વદીપ શિક્ષણ વિકાસ સંસ્થા દ્વારા સંચાલિત ‘વિદ્યા જ્યોતિ પ્રોજેક્ટ’ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ત્રણ તાલુકાની આંગણવાડીઓમાં અભ્યાસ કરતા બાળકોને સ્વચ્છતા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ હેઠળ સુત્રાપાડા, વેરાવળ અને તાલાલા તાલુકાની કુલ 72 આંગણવાડીઓનાં 2000 બાળકોને સ્વચ્છતા કિટ આપવામાં આવી હતી.
બાળકોમાં નાની ઉંમરથી જ વ્યક્તિગત સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવાય અને સ્વચ્છતાની સારી આદતો વિકસે તેવા હેતુથી આ વિતરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં સુત્રાપાડા તાલુકાની 38, વેરાવળ તાલુકાની 29 અને તાલાલા તાલુકાની પાંચ આંગણવાડીઓનો સમાવેશ થાય છે.
વિતરિત કરવામાં આવેલી સ્વચ્છતા કિટમાં બાળકોના દૈનિક ઉપયોગ માટે ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, તેલ, સાબુ, રૂમાલ, દાંતિયો અને પાઉચ સહિતની ઉપયોગી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સામગ્રીના ઉપયોગથી બાળકોમાં દાંતની સફાઈ, હાથ ધોવા, વાળની સંભાળ અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા અંગે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
બાળપણથી જ સ્વચ્છતાની આદતો કેળવવાથી બાળકોના સ્વચ્છતા પ્રત્યેના અભિગમમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. આંગણવાડીઓ મારફતે બાળકો સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવાની આ પહેલને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
બાળકોને દૈનિક જીવનમાં ઉપયોગી એવી સ્વચ્છતા સામગ્રી મળતાં આંગણવાડીના સ્ટાફ અને બાળકોના વાલીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે જ બાળકોના સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતી આ પહેલ બદલ GHCL ફાઉન્ડેશન અને સ્વદીપ શિક્ષણ વિકાસ સંસ્થાના ‘વિદ્યા જ્યોતિ પ્રોજેક્ટ’નો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાની સાથે તેમની દૈનિક જીવનશૈલીમાં સ્વચ્છતાને મહત્વ આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ