ગીર સોમનાથ જિલ્લામાં પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવશે
જિલ્લાકક્ષાનો એક અને તાલુકા કક્ષાએ ૫૬ ખેડૂતલક્ષી કાર્યક્રમ યોજાશે. ગીર સોમનાથ, 29 ઓક્ટોબર (હિ.સ.) : ખેડૂતોની આવક વધારવા અને તેમને આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી અમલમાં મૂકવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પી.એમ.-કિસાન) યોજના અંતર્ગત ય
ગીર સોમનાથ જિલ્લામાં પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવશે


- જિલ્લાકક્ષાનો એક અને તાલુકા કક્ષાએ ૫૬ ખેડૂતલક્ષી કાર્યક્રમ યોજાશે.

ગીર સોમનાથ, 29 ઓક્ટોબર (હિ.સ.) : ખેડૂતોની આવક વધારવા અને તેમને આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી અમલમાં મૂકવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પી.એમ.-કિસાન) યોજના અંતર્ગત યોજનાનો ૨૪મો હપ્તો તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ જાહેર કરવામાં આવનાર છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના પી.એમ. કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમની સાથે સાથે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લાકક્ષાનો એક કાર્યક્રમ નગરપાલિકા હોલ, ડાભોર રોડ, વેરાવળ ખાતે અને તાલુકા કક્ષાએ અન્ય ૫૬ ખેડૂતલક્ષી કાર્યક્રમ મળી કુલ ૫૭ ખેડૂતલક્ષી કાર્યક્રમો યોજાશે.

શિક્ષણમંત્રી ડો.પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશ ચુડાસમા, રાજ્ય સભાના સાંસદ માનસિંહ પરમાર, જિલ્લાના ધારાસભ્યોઓ, પદાધિકારીઓ સહિતના મહાનુભાવો આ વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે.

ગીર સોમનાથ જિલ્લામાં યોજાનારા કાર્યક્રમ અંતર્ગત ૧.૧૬ લાખથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં રૂ. ૨૩.૨૦ કરોડથી વધુની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી જમા કરવામાં આવશે.

કિસાન સન્માન નિધિ અંતર્ગત વેરાવળ તાલુકામાં ૧૭,૧૫૭ ખેડૂતોને રૂ.૩.૪૩ કરોડ, ઉના તાલુકામાં ૨૫,૮૧૮ ખેડૂતોને રૂ.૫.૧૬ કરોડ, ગીર ગઢડા તાલુકામાં ૧૬,૯૧૧ ખેડૂતોને રૂ.૩.૩૮ કરોડ, તાલાલા તાલુકામાં ૧૪,૩૨૭ ખેડૂતોને રૂ.૨.૮૭ કરોડ, સૂત્રાપાડા તાલુકામાં ૧૮,૯૫૬ ખેડૂતોને રૂ.૩.૭૯ કરોડ, કોડિનાર તાલુકામાં ૨૨,૮૨૮ ખેડૂતોને રૂ.૪.૫૭ કરોડ મળી કુલ ૧,૧૬,૦૨૭ ખેડૂતોને રૂ. ૨૩.૨૦ કરોડની રકમ ચોથા હપ્તા દ્વારા મળશે.

આ કાર્યક્રમમાં ખેતી ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ફેબ્રુઆરી-૨૦૧૯થી અમલમાં છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે રૂ. ૬,૦૦૦ની સહાય ત્રણ સમાન હપ્તામાં, દર ચાર મહિને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.)ના માધ્યમથી સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને યોજનાના પ્રથમ ૨૩ હપ્તાઓ હેઠળ કુલ રૂ. ૪.૪૭ લાખ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ જાહેર થનારા ૨૪મા હપ્તા હેઠળ દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય ડી.બી.ટી.ના માધ્યમથી ચૂકવવામાં આવનાર છે. ગુજરાત રાજ્યમાં પણ ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં રૂ. ૧,૦૫૧ કરોડથી વધુની સહાય જમા થનાર છે. રાજ્યમાં પ્રથમથી ૨૩મા હપ્તા સુધીમાં ૬૯.૨૬ લાખથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને કુલ રૂ. ૨૪,૧૩૭ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાનના હસ્તે રૂ. ૩૨૮.૭૭ કરોડના ખર્ચે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBRC) સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

આ ઉપરાંત, બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતેના બે કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટનું ભૂમિપૂજન તેમજ બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન અને UHT-ASRS પ્રકલ્પોનું ઈ-ઉદ્ઘાટન પણ કરવામાં આવશે.

રાષ્ટ્રીય કક્ષાના આ કાર્યક્રમનું દેશનાં તમામ રાજ્યોમાં વેબકાસ્ટિંગ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. ખેડૂતો અને નાગરિકો pmindiawebcast.nic.in વેબસાઇટ પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકશે. રાજ્યમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, APMC, PACS, PMKSK અને FPO ખાતે પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં મંત્રીઓ, સાંસદઓ, પંચાયતી રાજના પ્રતિનિધિઓ, અધિકારીઓ, વૈજ્ઞાનિકો તથા મોટી સંખ્યામાં ખેડૂતો સહભાગી થશે.

આમ, જિલ્લામાં કુલ ૫૭ સ્થળોએ આ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમો દ્વારા ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી, આર્થિક સહાય અને કૃષિ ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડવાની સાથે પ્રગતિશીલ ખેડૂતોની કામગીરીને બિરદાવવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande