
જામનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) :
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા ખાતેથી પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ૨૪મા હપ્તાની રકમ રીલીઝ કરવા રાષ્ટ્રીય કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત જામનગર જિલ્લામાં પૂર્વ તૈયારી રૂપે વ્યાપક કાર્યક્રમો યોજાશે. જામનગર જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ રણજીતનગર સ્થિત લેઉઆ પટેલ સમાજ ખાતે યોજાશે, જેમાં જિલ્લાભરમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો સહભાગી બનશે.
જામનગર જિલ્લામાં ખેડૂતો સુધી આ મહોત્સવનો વ્યાપ વિસ્તારવા માટે જિલ્લા પંચાયત સીટ દીઠ ૨ કાર્યક્રમો મુજબ કુલ ૪૮ અને જિલ્લા કક્ષાનો ૧ મળીને કુલ ૪૯ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૧૦:૦૦ કલાકે યોજાનાર જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી, સ્થાનિક પદાધિકારીઓ, મંત્રીઓ, સંસદસભ્યો, પંચાયત પ્રમુખો, અધિકારીઓ તથા કૃષિ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહેશે. તેઓ ખેડૂતોને કૃષિ અને બાગાયત ક્ષેત્રની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે.
આ પ્રસંગે વિવિધ યોજનાઓનો લાભ મેળવનાર સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન પણ કરવામાં આવશે. આ ઉપરાંત જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલ એ.પી.એમ.સી., કે.વી.કે., એફ.પી.ઓ. અને ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમ સ્થળો પર એલ.ઈ.ડી. સ્ક્રીન તથા ઓનલાઈન માધ્યમથી બનાસકાંઠા ખાતેથી વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ (લાઈવ ટેલિકાસ્ટ) નિહાળવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય ડી.બી.ટી. મારફત સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જેના ભાગરૂપે ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૦૫૧ કરોડથી વધુની રકમ મળશે. આ યોજનાથી જામનગર જિલ્લાના હજારો ખેડૂત પરિવારોને પણ સીધો આર્થિક લાભ પ્રાપ્ત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt