
પાટણ, 29 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લાના ભાડિયા ગામની આંગણવાડી અને ચાણસ્મા તાલુકાના છમીછા ગામની સરસ્વતી વિદ્યાલયમાં ‘પોષણ યાત્રા 2026’ અંતર્ગત પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ બાળકો અને કિશોરીઓમાં પૌષ્ટિક આહાર, સ્વચ્છતા અને આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન પૌષ્ટિક ખોરાકનું મહત્વ સમજાવી રોજિંદા જીવનમાં સારી આરોગ્યપ્રદ ટેવો અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
ભાડિયા ગામની આંગણવાડીમાં યોજાયેલા કાર્યક્રમમાં સંચાલક આશિષ પરમારે નાના બાળકોને જમતા પહેલાં હાથ ધોવાની યોગ્ય રીત સમજાવી હતી. આ ઉપરાંત પ્રોટીનનું મહત્વ અને વિવિધ ફળોમાં રહેલાં પોષક તત્ત્વો વિશે માહિતી આપી હતી. બાળકો સાથે સંવાદ કરીને તેમને નિયમિત પૌષ્ટિક આહાર લેવા તથા સ્વચ્છતાની ટેવો કેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ચાણસ્મા તાલુકાના છમીછા ગામની સરસ્વતી વિદ્યાલયમાં 27 ઓક્ટોબર, 2026ના રોજ ટીમ લીડર સાવિત્રી સોલંકીની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો. તેમાં આશરે 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કિશોરીઓને પૌષ્ટિક આહારના ફાયદા સાથે એનીમિયાથી બચવા માટે જરૂરી પોષક તત્ત્વો અને સાવચેતી અંગે માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને ફણગાવેલા મગનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સમૂહ તસવીર સાથે જાગૃતિ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ