
જામનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) : જિયો પ્લેટફોર્મ્સે સ્થાપનાના 10 વર્ષ પૂર્ણ કરવા અને ઐતિહાસિક આઈપીઓની સફળતાની ઉજવણી અંબાણી પરિવારે જામનગર રિફાઇનરી નજીકના ગ્રામીણ વિસ્તારોમાં કરી છે. નાની ખાવડી, કાનાછીકારી અને ડેરાછીકારી ગામે આયોજિત ભોજન સમારંભમાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.
ભારતની ડિજિટલ ક્રાંતિમાં અગ્રેસર રહેલી રિલાયન્સ ગ્રુપની કંપની જિયો પ્લેટફોર્મ્સે તેની સ્થાપનાનાં 10 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાં છે. આ સાથે દેશના અત્યાર સુધીના સૌથી મોટા આઈપીઓને મળેલા ઐતિહાસિક સબસ્ક્રિપ્શને નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. જિયોના આઈપીઓનું શેર બજારમાં લિસ્ટિંગ થતાં જ દેશભરના રોકાણકારોમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો, જેણે સમગ્ર ટેકનોલોજી અને નાણાકીય જગતમાં નવો ઇતિહાસ રચ્યો છે.
આ ઐતિહાસિક સિદ્ધિ અને ખુશીની પળોને જામનગર રિફાઇનરીની આસપાસ વસતા ગ્રામજનો સાથે વહેંચવા માટે અંબાણી પરિવારે અનોખી પહેલ કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે જામનગર નજીકના નાની ખાવડી, કાનાછીકારી અને ડેરાછીકારી ગામોમાં ભવ્ય સામૂહિક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન થકી અંબાણી પરિવારે ગ્રામ્ય વિસ્તારો સાથેના પોતાના ગાઢ અને આત્મીય સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણી તથા ગ્રૂપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ત્રણેય ગામના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક પ્રીતિભોજનનો સ્વાદ માણીને રિલાયન્સની આ સફળતામાં સહભાગી બન્યા હતા અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે અંબાણી પરિવારે પોતાની સફળતાની ખુશીઓમાં તેમને પણ સામેલ કરીને હંમેશાં ગ્રામીણ વિકાસ અને સુખાકારી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. આ પ્રસંગે ગ્રામજનોએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જિયો પ્લેટફોર્મ્સની ઉત્તરોત્તર પ્રગતિ માટે હાર્દિક શુભકાભનાઓ પાઠવી હતી.
આ સામૂહિક ભોજન સમારંભે ઉદ્યોગ અને ગ્રામીણ સમાજ વચ્ચેના પારસ્પરિક પ્રેમ અને સહયોગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જિયોની આ ઐતિહાસિક સફળતાની ઉજવણીએ જામનગરના ગ્રામીણ વિસ્તારોમાં એક નવો ઉત્સાહ અને હર્ષોલ્લાસનો માહોલ ઊભો કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt