
ગીર સોમનાથ, 29 ઓક્ટોબર (હિ.સ.)
: સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓને ઉત્તમ સુવિધાઓ અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં સોમનાથ ટ્રસ્ટ હંમેશા અગ્રેસર રહ્યું છે. હાલમાં જ ટ્રસ્ટ સંચાલિત મહેશ્વરી ભવન ખાતે સ્ટાફની નિષ્ઠા અને પ્રામાણિકતાનું વધુ એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે, જેણે યાત્રિકોના મનમાં સોમનાથની છાપને વધુ ઉજ્જવળ બનાવી છે.
સોમનાથ ટ્રસ્ટના મહેશ્વરી ભવનમાં રૂમ નંબર 510 માં રોકાયેલા યાત્રિક પારેખ દેવાંગ એન. જ્યારે રૂમ ચેકઆઉટ કરીને નીકળ્યા, ત્યારે તેઓ પોતાની કિંમતી સોનાની વીંટી રૂમમાં જ ભૂલી ગયા હતા. ચેકઆઉટ બાદ જ્યારે મહેશ્વરી ભવનના ફરજ પરના રૂમબોય કલ્પેશ બામણીયા રૂમ ચેક કરવા ગયા, ત્યારે તેમને આ ગોલ્ડ રિંગ મળી આવી હતી. તેમણે પોતાની કર્તવ્ય નિષ્ઠા અને ટ્રસ્ટના સંસ્કાર પ્રમાણે તુરંત જ ફરજ પરના અધિકારીને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા યોગ્ય ખરાઈ કરીને આ ગોલ્ડ રિંગ તેના મૂળ માલિક દેવાંગભાઈ પારેખને સહીસલામત પરત કરવામાં આવી હતી. પોતાની કિંમતી વસ્તુ હેમખેમ પરત મળતા યાત્રિકે રૂમબોય કલ્પેશ બામણીયા અને સોમનાથ ટ્રસ્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ, ટ્રસ્ટ યાત્રીઓને પ્રેમપૂર્ણ આતિથ્ય અને ઉત્તમ દર્શન અનુભવ આપવા માટે સતત કાર્યબદ્ધ છે. સોમનાથ ટ્રસ્ટના કર્મઠ અને પ્રામાણિક યુવાનો દ્વારા પ્રતિવર્ષ યાત્રિકોનો ભૂલાયેલો લાખો રૂપિયાની કિંમતનો સામાન જેમ કે કિંમતી મોબાઈલ, સોનાના ઘરેણાં, અને રોકડ રકમ તેમને હેમખેમ પરત કરવામાં આવે છે.
આજના સમયમાં જ્યાં લોકોની કિંમતી વસ્તુઓ ખોવાઈ જવાનો ભય રહેતો હોય છે, ત્યાં સોમનાથ ટ્રસ્ટના સ્ટાફે પોતાની અખંડ નિષ્ઠાથી એ સાબિત કર્યું છે કે સોમનાથ માત્ર આસ્થા અને ભક્તિનું જ નહીં, પરંતુ 'નિષ્ઠાનું તીર્થ' પણ છે. આ ઘટનાએ દેશ-વિદેશથી આવતા લાખો યાત્રિકોના મનમાં સોમનાથ ટ્રસ્ટની એક અતૂટ અને વિશ્વસનીય છાપ પ્રસ્થાપિત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ