
રાજકોટ, 29 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ શહેરના ઐતિહાસિક સોની બજાર વિસ્તારમાં કરોડો રૂપિયાના ફાઇન સોના તેમજ ઓનલાઇન નાણાકીય ટ્રાન્સફર મેળવી સોનું ન આપી વિશ્વાસઘાત આચરવાનો ગંભીર ગુનો સામે આવ્યો છે. સોનાના વેપાર સાથે સંકળાયેલા વેપારી સાથે ધીમે ધીમે વિશ્વાસ કેળવીને કુલ રૂ.7,77,33,677 ની કિંમતનું સોનું અને રોકડ રકમ મેળવી લીધા બાદ આરોપી આખી રકમ તથા સોના સાથે ગાયબ થઈ જતાં વેપારી આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સમગ્ર મામલે ભોગ બનનાર વેપારીની ફરિયાદના આધારે એ-ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૫) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં પ્રહલાદ પ્લોટ 51માં રહેતા અને સોની બજાર જૂની ગંધીવાડ શેરીમાં આવેલ ક્રિષ્ના ચેમ્બરમાં 'રમેશચંદ્ર એન્ડ સન્સ' નામે સોનાની પેઢી ધરાવતાં સોની વેપારી જતીનભાઇ ઉર્ફે કાનાભાઇ રમેશભાઇ પાટડીયા એ રેસકોર્સ રિંગ રોડ ઉપર બીગ બાઇટની પાછળ કલ્યાણ પાર્ક શેરી નં.૧માં આવેલ પ્રભુ રોયલ રેસીડેન્સીમાં રહેતા અને સોની બજાર ગઢની રાંગની શેરીમાં 'મારુતિ જ્વેલર્સ' નામે બુલિયનનો વેપાર ધંધો કરતા હસમુખભાઇ ઉર્ફે હસુભાઇ શાંતીલાલ લોઢિયા સામે એ-ડિવિઝન પોલીસ મથકે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની વિગત મુજબ, આરોપી હસમુખભાઇ છેલ્લા દોઢ-બે વર્ષથી ફરીયાદી જતીનભાઇ પાસેથી કમિશનથી સોનું મેળવી બુલિયન માર્કેટમાં વેચાણ કરતો હતો. સતત વેપારી વ્યવહારના કારણે આરોપીએ ફરિયાદીનો સંપૂર્ણ વિશ્વાસ કેળવી લીધો હતો. 26 ઓકટોબર,2026 ના રોજ બપોરના સમયે આરોપીએ ફરિયાદીને ફોન કરી સોનાની માગણી કરી હતી અને પોતાના માણસ વિજય મેણંદભાઇ કુગસીયા તથા અન્ય પેઢી મારફતે કટકે-કટકે કુલ 5 કિલો ફાઇન સોનું મેળવી લીધું હતું. નિયમ મુજબ આ સોનું 24 કલાકમાં પરત આપવાનું હોવા છતાં આરોપીએ સોનું પરત કર્યું નહોતું.
સોનું મેળવ્યા બાદ ફરિયાદીએ 27 ઓકટોબર,2026ના રોજ આરોપીનો સંપર્ક કરતાં તેણે સાંજના પાંચ વાગ્યા સુધીમાં સોનું આપી દેવાની ખાતરી આપી હતી. પરંતુ ત્યારબાદ તેનો મોબાઇલ ફોન બંધ થઈ ગયો હતો. ફરિયાદીએ આરોપીના ઘરે જઈ તેના પિતા શાંતીલાલને પૂછપરછ કરતાં કોઈ પત્તો મળ્યો નહોતો. ફરિયાદીનું ૫ કિલો ફાઇન સોનું, જેની વર્તમાન બજાર કિંમત રૂ.7,25,00,000 જેટલી થાય છે, તે લઈને આરોપી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ બજારમાં તપાસ કરતાં અન્ય વેપારીઓ પણ ઠગાઈનો ભોગ બન્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
અન્ય ભોગ બનનાર વેપારીઓમાં નિલેશ બાલકૃષ્ણભાઇ માંડલીયા સમાવિષ્ટ છે, જેઓ ભુપેન્દ્ર રોડ પર 'ઓમ ગોલ્ડ' નામે દુકાન ધરાવે છે. તેમણે 200 ગ્રામ ફાઇન સોના પેટે રૂ.29,05,177 ની રકમ આરટીજીએસ મારફતે આરોપીની 'મારુતિ જ્વેલર્સ'ની પેઢીમાં જમા કરાવી હતી. છતાં તેમને સોનું આપવામાં આવ્યું ન હતું અને તેમની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો.
તદુપરાંત, પેલેસ રોડ પર 'મનોજકુમાર મથુરાદાસ એન્ડ સન્સ' નામની પેઢી ધરાવતા મનોજકુમાર મથુરાદાસ ધોળકીયાએ પણ 100 ગ્રામ સોનાના બિસ્કિટ માટે રૂ.14,55,500 ની રકમ આરટીજીએસથી ચૂકવી હતી. પરંતુ આરોપીએ નાણાં મેળવી લીધા બાદ સોનાનું બિસ્કિટ આપ્યું ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
આ ઉપરાંત સોની બજારમાં 'માધવ ઓર્નામેન્ટ્સ' નામે વેપાર કરતા હિતેશ ત્રીકમભાઇ માંડલીયા પાસેથી પણ 60 ગ્રામ ફાઇન સોનાના બદલામાં એનઈએફટી દ્વારા રૂ.8,73,000 મેળવી લઈ સોનું આપવામાં આવ્યું ન હતું. આમ, આરોપીએ ફરિયાદી સહિત તમામ વેપારીઓને સોનું કે નાણાં પરત ન આપી વિશ્વાસઘાત આચર્યો હતો.
જેથી ગઈકાલે તમામ ભોગ બનનાર વેપારીઓએ સાથે મળીને એ-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી આ અંગે વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કુલ રૂ.7,77,33,677 ના મુદ્દામાલની છેતરપિંડી અંગે ગુનો નોંધી, પોલીસ સબ ઇન્સ્પેક્ટરને તપાસ સોંપી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા અને સોનાનો જથ્થો રિકવર કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt