
જામનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગર મહાનગરપાલિકાની ખાસ જનરલ બોર્ડની બેઠકમાં ઘન કચરા વ્યવસ્થાપનના પેટા નિયમો-2026 પસાર કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ પેટા નિયમો અંગે પ્રજાજોગ સ્પષ્ટતા કરવામાં આવી છે. ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ કાયદો-1949 અંતર્ગત મંજૂર કરાયેલા આ પેટા નિયમો આગામી તારીખ 31 માર્ચ, 2027 સુધીમાં સમગ્ર શહેરમાં સંપૂર્ણપણે અમલી બનશે. આ નિયમોનો મુખ્ય હેતુ કચરાને ઉદ્ભવ સ્થાને જ અલગ કરવો, તેનો પુનઃઉપયોગ પ્રોત્સાહિત કરવો, ડમ્પિંગ સાઇટ પર જતો કચરો ઘટાડવો તેમજ પર્યાવરણ રક્ષણમાં નાગરિકોની ભાગીદારી વધારવાનો છે.
નવા પેટા નિયમો હેઠળ જામનગરના દરેક વોર્ડમાં સ્વચ્છતાની કામગીરી પર નજર રાખવા માટે સોલિડ વેસ્ટ માર્શલ અને ગંદકી ફેલાવનારા સામે પગલાં લેવા એન્ટી ન્યુસન્સ સ્ક્વોડ તૈનાત કરવામાં આવશે. ઔદ્યોગિક ઉત્પાદકોની જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવી છે, જે અંતર્ગત ડાયપર અને સેનેટરી નેપકિન ઉત્પાદકોએ દરેક પેકિંગમાં દરેક નંગના યોગ્ય નિકાલ માટે અલગથી પાઉચ આપવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
શહેરના તમામ નાગરિકોએ કચરાનું મુખ્ય ચાર પ્રકારે વર્ગીકરણ કરવાનું રહેશે. જેમાં ભીના કચરા માટે લીલો, સૂકા કચરા માટે વાદળી, સેનેટરી અને ડાયપર માટે લાલ તેમજ પેઇન્ટ્સ, કેમિકલ અને સ્પ્રેના ડબ્બા જેવા જોખમી કચરા માટે કાળો ડબ્બો રાખવાનો રહેશે. જીપીએસ સિસ્ટમથી સજ્જ વાહનો દ્વારા ઝૂંપડપટ્ટીઓ, તમામ રહેણાંક વિસ્તારો અને કોમર્શિયલ સ્થાનો પરથી રોજિંદા ધોરણે કચરો એકત્રિત કરવામાં આવશે.
જે સ્થળોએ મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન થાય છે, જેમ કે હોટેલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થાનો, હોસ્પિટલો અને મોટા રહેણાંક સંકુલોએ કેન્દ્ર સરકારના નિર્ધારિત પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે. જાહેરમાં કચરો ફેંકવા કે પ્રાણીઓને ખવડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ખાલી પ્લોટમાં કચરો ફેંકવાના કિસ્સામાં પ્લોટ માલિકને નોટિસ અપાશે, જ્યારે વધુ અવરજવરવાળા જાહેર સ્થળોએ યોગ્ય કચરાપેટીઓ મુકવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt