
જૂનાગઢ 29 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના આલીધ્રા ગામના વતની અને પ્રગતિશીલ ખેડૂત દિલીપભાઈ ફળદુ વર્ષ ૨૦૧૪થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. વર્તમાન સમયમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અતિરેકભર્યા ઉપયોગથી કેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગો વ્યાપી રહ્યા છે, ત્યારે દિલીપભાઈ નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક પૂરો પાડી રહ્યા છે. આજે તેઓ રાસાયણિક દવા કે ખાતર વગર ઉત્તમ ગુણવત્તાવાળો પાક મેળવી રહ્યા છે.
ખેડૂત શ્રી દિલીપભાઈ ફળદુ પોતાના કૃષિ ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરીને ૫૦૦ ગ્રામ અને ૧ કિલોના આકર્ષક પેકિંગમાં વેચાણ કરવાની તેમની પદ્ધતિ અત્યંત પ્રશંસનીય છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આયોજિત 'સ્વદેશી મેળો' ના પ્લેટફોર્મ પર તેમણે પોતાની પ્રાકૃતિક પેદાશો અને હેલ્ધી નાસ્તાનું સફળ પ્રદર્શન સહ વેચાણ કર્યું છે. આ મેળામાં માત્ર સાત જ દિવસમાં ગાળામાં તેમણે ૬૦ થી ૭૦,૦૦૦ રૂપિયા સુધીની આવક થઈ છે. તેમના સ્ટોલ પર પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત અડદ, ચણા, તુવેર જેવા કઠોળ વિવિધ શાકભાજીની કાચરી તેમજ બાળકો માટે ખાસ આકર્ષણ બનતા મેંદા અને કૃત્રિમ રંગ વગરના જુવારના પફ, મકાઈના પૌવા, જોય સ્ટિક, પોટેટો ચિપ્સ, મકાઈની વેફર, રવાના પાસ્તા અને મિલેટ્સ આધારિત પ્રોડકટસ જેવી કે રાગીની પુરી તથા મમરા જેવી સ્વાસ્થ્યવર્ધક પ્રોડક્ટ્સનું સૌથી વધુ વેચાણ થયું છે.
સરકાર દ્વારા મળેલા આ ઉત્તમ પ્લેટફોર્મનો લાભ લઈને દિલીપભાઈને સારી એવી આવક થઈ છે. સાથે જ ગ્રાહકોને પણ હેલ્ધી ફૂડ અપનાવવા માટે પ્રેરિત કરી રહ્યા છે. મેળો આગામી તા. ૨ સુધી ચાલુ રહેવાનો છે ત્યારે વધુને વધુ નાગરિકો આ પ્રાકૃતિક પેદાશોનો લાભ લે તેવી તેમણે અપીલ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તેમજ સખી મંડળની બહેનોને તેમના ઉત્પાદનોના વેચાણ માટે બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી સ્વદેશી મેળા-૨૦૨૬નું આયોજન શહેરના આઝાદ ચોક ખાતેના એ.જી. સ્કૂલ મેદાનમાં કરવામાં આવ્યું છે. આ મેળાનો પ્રારંભ તા.૨૨ ઓક્ટોબર, ૨૦૨૬ થી થયો છે. આ મેળો આગામી તા. ૨ નવેમ્બર સુધી યોજાનાર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ