જેતપુરમાં એલસીબીના દરોડા: 85થી વધુ ગુનામાં સંડોવાયેલ અનિલ ડબલી સહિત ત્રણ કુખ્યાત શખ્સો જુગાર રમતા ઝડપયા
રાજકોટ, 29 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ ગ્રામ્ય એલસીબી ટીમે જેતપુરમાં અમરનગર રોડ પર આવેલી જમાદાર વાડીમાં દરોડો પાડી અસંખ્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત અનિલ ડબલી સહિત ત્રણ શખ્સોને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી જુગારધ
જુગાર રમતા કુખ્યાત શખસો ઝડપાયા


રાજકોટ, 29 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ ગ્રામ્ય એલસીબી ટીમે જેતપુરમાં અમરનગર રોડ પર આવેલી જમાદાર વાડીમાં દરોડો પાડી અસંખ્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત અનિલ ડબલી સહિત ત્રણ શખ્સોને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી જુગારધામ ચલાવનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ડામી દેવા તેમજ ગણનાપાત્ર કેસો શોધી કાઢવા માટે આપવામાં આવેલી કડક સૂચનાઓના ભાગરૂપે એલસીબી પીઆઈ જે.પી. રાવની રાહબરી હેઠળ પોલીસ ટીમ જેતપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે જેતપુર શહેર પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા અમરનગર રોડ પરની જમાદાર વાડી, પટેલનગરમાં રહેતો પંકજ તેજા વાઘેલા તેના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડી રહ્યો છે.

મળેલી બાતમીના આધારે એલસીબી ટીમે તાત્કાલિક તે મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પંકજ તેજા વાઘેલા, અનિલ ઉર્ફે ડબલી મનસુખ બારૈયા અને અશોક ભગુ વાંક જુગાર રમતા પકડાઈ આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂ. 4,31,500 તેમજ ક્રેટા કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 10,52,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ખતરનાક હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મુખ્ય આરોપી પંકજ વાઘેલા સામે હત્યા, દારૂ અને જુગાર સહિતના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 26 ગુના નોંધાયેલા છે. જ્યારે અનિલ ઉર્ફે ડબલી સામે ગંભીર પ્રકારના અસંખ્ય 85 જેટલા ગુના નોંધાયેલા છે અને અગાઉ અનેક વખત તેને પાસા હેઠળ પણ જેલમાં ધકેલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ત્રીજો આરોપી અશોક વાંક વિરુદ્ધ પણ જુદા-જુદા પોલીસ મથકોમાં 25થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સ્પષ્ટ થયું છે.

આ કુખ્યાત શખ્સોને પકડવાની સફળ કામગીરી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ વરૂ, મનદીપસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ ભરતભાઈ ગમારા દ્વારા મેળવાયેલી બાતમીના આધારે પાર પાડવામાં આવી હતી. ગ્રામ્ય પોલીસની આ સરાહનીય કામગીરીથી અસામાજિક તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande