
રાજકોટ, 29 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલ શાંતિનગર વિસ્તારમાંથી એક સગીર વયની બાળકીનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરિવારજનો દ્વારા આજુબાજુના વિસ્તારમાં તથા સગા-સંબંધીઓમાં વ્યાપક શોધખોળ કરવા છતાં બાળકીનો કોઈ પત્તો ન મળતાં આખરે પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ચિંતા અને અરેરાટી વ્યાપી ગઈ છે.
બનાવની વિગત મુજબ, સગીરા પોતાના પરિવાર સાથે ચોટીલા દર્શન કરવા ગઈ હતી. દર્શન કરીને સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં ઘરે પરત ફર્યા બાદ, પરિવારના મુખી પોતાના નિત્ય ક્રમ મુજબ કામ-કાજ અર્થે બહાર ગયા હતા. ત્યારબાદ સવારે દસ વાગ્યાના સુમારે પરિવારજનોને જાણ થઈ હતી કે બાળકી ઘરમાં હાજર નથી. આજુબાજુ તથા સંબંધીઓમાં શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો મળ્યો ન હતો. આખરે પરિવારજનોએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર મામલે જાણ કરી હતી.
દરમિયાન ગઈકાલે ગાંધીગ્રામ-02 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૩૭(૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ સબ ઇન્સપેક્ટર દ્વારા મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અપહરણ પામેલી સગીરા આશરે સાડા ચારથી પોણા પાંચ ફૂટની ઊંચાઈ ધરાવે છે, શરીર પાતળો બાંધો અને ઘઉંવર્ણો રંગ છે. ઘટના સમયે તેણીએ ગુલાબી રંગની કુર્તી અને વાદળી રંગનું જીન્સ પહેરેલું હતું. પોલીસે સગીરાની શોધખોળ માટે અલગ-અલગ ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યા છે અને કોઈને પણ આ અંગે માહિતી મળે તો તુરંત પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt