
રાજકોટ, 29 ઓક્ટોબર (હિ.સ.) : બનાસકાંઠાના ભીલડી ખાતેથી દેશભરના ખેડૂતો માટે 'પી.એમ. કિસાન સન્માન નિધિ' યોજના અંતર્ગત સહાય મુક્ત કરવાનો રાષ્ટ્રીય કાર્યક્રમ શુક્રવારે યોજાશે. આ નિમિત્તે રાજકોટ જિલ્લામાં જિલ્લા પંચાયતની દરેક બેઠક અને એક જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમ મળીને કુલ 73 સ્થળોએ 'પી.એમ. કિસાન ઉત્સવ દિવસ' ઉજવવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો, તેમના પરિવારજનો, પશુપાલકો તેમજ નાગરિકો સહભાગી થશે.
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના 9.34 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં ‘પી.એમ. કિસાન સન્માન નિધિ’ યોજનાના 24મા હપ્તા પેટે કુલ રૂ. 18,680 કરોડની રકમ ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) મારફતે જમા કરાવવામાં આવશે. જેમાં ગુજરાત રાજ્યના 52.33 લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને રૂ. 1051 કરોડથી વધુની સહાય સીધી બેંક ખાતામાં પ્રાપ્ત થશે.
કાર્યક્રમના સફળ આયોજન માટે કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં રાજ્યસ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સંદર્ભે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે પણ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને તમામ સ્થળો પર સુચારુ વ્યવસ્થા અને આયોજન કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
બનાસકાંઠા ખાતે યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના મુખ્ય સમારોહનું રાજકોટ જિલ્લાના મુખ્ય કાર્યક્રમ સ્થળ સહિત તમામ એ.પી.એમ.સી., કે.વી.કે., એફ.પી.ઓ. અને ગ્રામ્ય કક્ષાએ એલ.ઈ.ડી. સ્ક્રીન તથા વેબકાસ્ટના માધ્યમથી સીધું જીવંત પ્રસારણ દર્શાવવામાં આવશે. આ માધ્યમથી ગ્રામીણ વિસ્તારના ખેડૂતો સીધા મુખ્ય કાર્યક્રમ સાથે જોડાઈ શકશે.
આ ઉત્સવ દરમિયાન કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને કૃષિ અને બાગાયત ક્ષેત્રની વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવશે. સાથે જ કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા રાજકોટ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું પણ મહાનુભાવોના હસ્તે સન્માન કરાશે. જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા તમામ ખેડૂતોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt