
સુરત, 29 ઓક્ટોબર (હિ.સ.) : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી સુરતના બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને ચૌટા બજારમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો તહેવારની ખરીદી કરવા ઉમટી રહ્યા છે. આ ભીડનો લાભ લઈને ખિસ્સાકાતરુઓ અને તસ્કરો મોબાઈલ ફોન, પર્સ તથા અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરી શકે છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.
ભીડનો લાભ લઈને કેવી રીતે થાય છે ચોરી?
ખરીદી દરમિયાન લોકો કપડાં અને અન્ય વસ્તુઓ પસંદ કરવામાં વ્યસ્ત હોય છે, ત્યારે તસ્કરો તેમની નજર ચૂકવીને કિંમતી સામાન ચોરી લેતા હોય છે. આવી ઘટનાઓથી બચવા માટે ચૌટા બજારમાં પોલીસે જાગૃતિના ભાગરૂપે મોકડ્રિલ યોજી હતી. આ ડેમો દરમિયાન શંકાસ્પદ રીતે ફરતા અને મોઢા પર રૂમાલ બાંધેલા વ્યક્તિની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી હતી. ચોરીની ઘટનાનું નિદર્શન કર્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને શખ્સને ઝડપી લીધો હતો.
તહેવારોની ખરીદી દરમિયાન મોબાઈલ ફોન અને પર્સ સુરક્ષિત જગ્યાએ રાખવા, અજાણ્યા લોકોની શંકાસ્પદ હિલચાલથી સાવચેત રહેવા અને કિંમતી વસ્તુઓ પર સતત ધ્યાન રાખવા પોલીસે લોકોને સૂચના આપી છે. બજારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ નજરે પડે તો નજીકમાં હાજર પોલીસ કર્મચારીઓને જાણ કરવા પણ અપીલ કરવામાં આવી છે. પોલીસનો હેતુ લોકોને જાગૃત કરીને તહેવારો દરમિયાન ચોરીની ઘટનાઓ અટકાવવાનો અને ખરીદીનો માહોલ સુરક્ષિત રાખવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે