
પાટણ, 29 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને 30 ઓક્ટોબરના પીએમ કિસાન ઉત્સવ અને 31 ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમોના સુચારુ આયોજન માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
30 ઓક્ટોબરે પાટણ જિલ્લાના 64 મુખ્ય સ્થળોએ પીએમ કિસાન ઉત્સવ યોજાશે, જ્યારે જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ પાટણના APMC માર્કેટ યાર્ડ ખાતે યોજાશે. દરેક સ્થળે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. કાર્યક્રમમાં વડાપ્રધાનના સંબોધનનું LED સ્ક્રીન દ્વારા જીવંત પ્રસારણ કરાશે.
31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે જિલ્લાના નવ તાલુકા અને પાંચ નગરપાલિકાઓમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે એકતા રેલી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમૂહ ભોજનનું આયોજન કરાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી એકતા પરેડનું પણ LED સ્ક્રીન અથવા ટેલિવિઝન દ્વારા જીવંત પ્રસારણ કરાશે.
બંને કાર્યક્રમો દરમિયાન કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક, પાર્કિંગ, બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, સ્વચ્છતા, વીજળી અને આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી. મંત્રી સ્વરૂપજી ઠાકોરે વિભાગો વચ્ચે સંકલન જાળવી સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા સહિત વિવિધ વિભાગોના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ