રાજકોટમાં એક્ટિવાની ડેકીમાંથી રૂ.2 લાખ રોકડની ચોરી : તસ્કર સીસીટીવીમાં કેદ
રાજકોટ, 29 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના નાના મૌવા મેઇન રોડ પર આવેલી કન્સલ્ટંસી ઓફિસ બહાર પાર્ક કરેલા એક્ટિવા સ્કૂટરની ડેકીમાંથી અજાણ્યો ચોર ઇસમ રૂ.૨,૦૦,૦૦૦ની રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. આંગળીયા પેઢીમાંથી ઉપાડેલી રકમ એક્ટિવામ
વાહનચોરી


રાજકોટ, 29 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના નાના મૌવા મેઇન રોડ પર આવેલી કન્સલ્ટંસી ઓફિસ બહાર પાર્ક કરેલા એક્ટિવા સ્કૂટરની ડેકીમાંથી અજાણ્યો ચોર ઇસમ રૂ.૨,૦૦,૦૦૦ની રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. આંગળીયા પેઢીમાંથી ઉપાડેલી રકમ એક્ટિવામાં રાખી ઓફિસે ગયેલા વેપારી કામ પતાવી ઘરે પહોંચ્યા ત્યારે ચોરીનો ખુલાસો થયો હતો. સીસીટીવી ફૂટેજ ચકાસતા ચોરી કરતો શખસ નજરે પડતા આખરે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, નાના મૌવા મેઇન રોડ પર સ્થિત મોકાજી સર્કલ નજીક સીલીકોન વેલીમાં રહેતા ૩૪ વર્ષીય ચંદ્રેશ ગોવિંદભાઈ વઘાસીયા અલ્કોન કન્સલ્ટંસી નામે વ્યવસાય ચલાવે છે. ગત તારીખ ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બપોરના આશરે સાડા ચાર વાગ્યાના અરસામાં તેમને નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી. આથી તેઓ ગોંડલ રોડ પર વિજય પ્લોટમાં મક્કમ ચોક પાસે આવેલી પૂર્ણિમા આંગડીયા પેઢીમાંથી પોતાના બે લાખ રૂપિયા ઉપાડવા માટે ગયા હતા. આંગણિયા પેઢીમાંથી નાણાં મેળવીને તેમણે તે રકમ એક સફેદ પ્લાસ્ટિકની થેલીમાં સુરક્ષિત મૂકી હતી.

ત્યારબાદ આ રકમ ભરેલી થેલી પોતાના હોન્ડા એક્ટિવા રજિસ્ટ્રેશન નંબર જીજે-03-ઇજે-9092ની ડેકીમાં મૂકીને તેઓ પોતાની ઓફિસે પરત ફર્યા હતા. પોતાની કંપનીની બહાર જાહેર રોડ પર એક્ટિવા પાર્ક કરીને તેઓ કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે કામ પતાવીને ઘરે પહોંચ્યા બાદ ડેકીમાંથી રૂપિયા કાઢવા જતાં થેલી ગાયબ જણાતાં તેમણે તપાસ હાથ ધરી હતી. ઓફિસ અને આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરવા છતાં કોઈ પતો ન મળતા ઓફિસના સીસીટીવી કેમેરા ચકાસવામાં આવ્યા હતા.

સીસીટીવી ફૂટેજમાં એક અજાણ્યો શખસ એક્ટિવાની ડેકીમાંથી રૂપિયા ચોરી કરતો સ્પષ્ટપણે નજરે પડ્યો હતો. જેથી આ અંગે ગઈકાલે માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની આગળની તપાસ પોલીસ સબ ઇન્સપેક્ટર અસલમ અલીમામદ બ્લોચ ચલાવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande