
ભાવનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) સિહોરની સંસ્કૃતિ સ્કૂલ – વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે દીપાવલી પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં ખુશીઓનો દીપ પ્રગટાવવાના ઉમદા હેતુથી ‘નિજાનંદ સેવા સપ્તાહ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિદ્યામંજરી જ્ઞાનપીઠ અને યુવા યુગ પરિવર્તન સંગઠન (YYP), સિહોરના સંયુક્ત ઉપક્રમે 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર, 2026 દરમિયાન ‘સેવા પરમો ધર્મ’ના મંત્ર સાથે આ અભિયાન યોજાશે. દીપપ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો.
આ અભિયાનનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ પરિવારોને દીપાવલી પર્વની ખુશીઓમાં સહભાગી બનાવવાનો તેમજ વિદ્યાર્થીઓમાં સેવાભાવ, કરુણા અને માનવતાના સંસ્કારો કેળવવાનો છે. આ અંતર્ગત નાગરિકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને ઉપયોગમાં ન આવતી પરંતુ અન્ય માટે ઉપયોગી થઈ શકે તેવી વસ્તુઓનું દાન કરવા અપીલ કરવામાં આવી છે. જેમાં વસ્ત્રો, રમકડાં, પુસ્તકો, અનાજ, બુટ-ચંપલ તેમજ આર્થિક સહયોગનો સમાવેશ થાય છે. એકત્રિત દાનસામગ્રી નિજાનંદ પરિવાર, ભાવનગરના માધ્યમથી જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવામાં આવશે.
પ્રારંભ કાર્યક્રમમાં વિદ્યામંજરી જ્ઞાનપીઠના સંચાલક પી. કે. મોરડીયા, કેમ્પસ ડાયરેક્ટર અનિકેત રાજ્યગુરુ, નિજાનંદ પરિવારના અનિલ પંડિત, ઝાલાભાઈ, YYPના રવિ બારૈયા, મલય રામાનુજ, હર્ષ ત્રિવેદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાની વિદ્યાર્થિનીઓએ કુમકુમ તિલક અને પુસ્તક અર્પણ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ ઉત્સાહપૂર્વક દાનસામગ્રી અર્પણ કરી સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા. આયોજકોએ વધુમાં વધુ નાગરિકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA