
રાજકોટ, 30 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટમાં આજથી ત્રણ વર્ષ પૂર્વે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) કચેરીના ચોથા માળેથી નીચે પટકાવાના કારણે થયેલા જોઇન્ટ ડાયરેક્ટરના મૃત્યુ મામલે મોટો વળાંક આવ્યો છે. અગાઉ આકસ્મિક મૃત્યુ તરીકે નોંધાયેલા આ બનાવમાં મૃતકની પત્નીની હાઇકોર્ટમાં રિટ અને કાનૂની લડતના આધારે આખરે સીઆઇડી ક્રાઇમે અજાણ્યા શખ્સો સામે હત્યા અને ધાકધમકીનો ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં ગિરનાર ટોકીઝ નજીક આવેલી ડીજીએફટી કચેરીમાં ૨૫ માર્ચ ૨૦૨૩ના રોજ જોઇન્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા ઝવરીમલ બંસીલાલ બિશ્નોઈ કચેરીના ચોથા માળેથી નીચે પડી જતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના સમયે પ્રનગર પોલીસે પ્રાથમિક તપાસ બાદ આકસ્મિક મૃત્યુની નોંધ કરી કેસ પૂરો કર્યો હતો. પરંતુ મૃતકના પરિવારજનો દ્વારા આ સમગ્ર ઘટના પાછળ કોઈ ઘોર પ્રપંચ કે શંકાસ્પદ સંજોગો હોવાની રજૂઆતો સતત કરવામાં આવી રહી હતી. લાંબી કાનૂની જહેમત અને ગુજરાત હાઇકોર્ટના સ્પષ્ટ આદેશ બાદ આ મામલે સીઆઇડી ક્રાઇમ દ્વારા નવેસરથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઘટનાના એક દિવસ અગાઉ એટલે કે ૨૪ માર્ચ ૨૦૨૩ના રોજ સાંજના સમયે કેટલાક શખ્સોએ રાજકોટ સ્થિત સરકારી અધિકારીના ઘરમાં પ્રવેશીને તપાસ અને ઝડતીના નામે ભારે નાટક કર્યું હતું. પરિવારજનોના જણાવ્યા મુજબ, દરોડા કે તપાસના નામે આવેલા લોકોએ કોઈપણ અધિકૃત ઓળખપત્ર કે વોરંટ બતાવ્યા નહોતા અને ઘરના સભ્યોને માનસિક તથા શારીરિક ત્રાસ આપ્યો હતો. એટલું જ નહીં, જો સહી નહીં કરવામાં આવે તો સગીર પુત્રને ડ્રગ્સ કે દારૂના ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપીને ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો અને રાત્રે કસ્ટડીમાં રહેલા અધિકારીને પણ ફોન પર ધમકાવવામાં આવ્યા હતા.
બીજા દિવસે એટલે કે ૨૫ માર્ચ ૨૦૨૩ના રોજ સવારના સુમારે અચાનક ડીજીએફટી કચેરીની બારીમાંથી નીચે પટકાયાની અને એસીબી કે એજન્સીના દબાણ હેઠળ હોસ્પિટલ ખસેડાયાની માહિતી સામે આવી હતી. જ્યારે પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે જોઇન્ટ ડાયરેક્ટરનું મૃત્યુ થઈ ચૂક્યું હતું અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવાઈ હતી. અચાનક બનેલી આ ઘટનાથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને કસ્ટડી દરમિયાન અધિકારીની સુરક્ષા કે દેખભાળ રાખવામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા, જેના કારણે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર પણ કર્યો હતો.
આ ઘટના બાદ ન્યાય મેળવવા માટે મૃતકના પત્ની સુમન ઝવરીમલ બિશ્નોઈ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી અને અંતે ગુજરાત હાઇકોર્ટમાં ફોજદારી રિટ અરજી દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે આ કેસની ગંભીરતાને ધ્યાને લઈને તાજેતરમાં ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ આકસ્મિક મૃત્યુના આ બનાવમાં સીઆઇડી ક્રાઇમને સત્તાવાર રીતે ફોજદારી ગુનો દાખલ કરવાનો હુકમ કર્યો હતો. અદાલતના આદેશના પગલે સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર અને રાજકોટ ઝોન દ્વારા કાનૂની પરામર્શ પૂર્ણ કરી રાજકોટ ખાતે ગઈકાલે સત્તાવાર એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
મૃતક અધિકારીના પત્ની દ્વારા આપવામાં આવેલી સત્તાવાર ફરિયાદના આધારે સીઆઇડી ક્રાઇમ દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨, ૫૦૬(૨) અને ૧૧૪ મુજબ અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યા અને ધમકીનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર પ્રકરણની તપાસ સીઆઇડી ક્રાઇમના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એસ. ગોહિલ અને તેમની ટીમ દ્વારા સંભાળવામાં આવી રહી છે. કસ્ટડી દરમિયાન થયેલી પૂછપરછ, ધાકધમકીઓ, બારીમાંથી નીચે ધકેલી દેવાની શંકાઓ અને તપાસના દસ્તાવેજોમાં ચેડાં થયા હોવાના તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt