
જામનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) : આમ આદમી પાર્ટીના જામનગર શહેર સંગઠનને પ્રદેશ પ્રમુખ દ્વારા વિસર્જિત કરાયાના પાંચ દિવસ બાદ વધુ ત્રણ આગેવાનોએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે. સંગઠનના વિસર્જન વચ્ચે પ્રદેશમાંથી સ્વતંત્ર નિમણુંક પામેલા હોદ્દેદારોએ પણ અચાનક રાજીનામા આપતા જામનગર આપના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
પ્રદેશ પ્રમુખ દ્વારા અગાઉ શહેર સંગઠનના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રીઓ અને વોર્ડ પ્રમુખો સહિતના આખા માળખાને વિસર્જિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયના ટૂંક સમયમાં જ 78-વિધાનસભા ક્ષેત્રના સંગઠન મંત્રી જીવરાજ ચૌહાણ, 79-વિધાનસભા ક્ષેત્રના સંગઠન મંત્રી નિલેશ ભલારા અને સંસદીય ક્ષેત્રના સંગઠન મંત્રી દુર્ગેશ ગાડલીંગે પણ પોતાના પદ પરથી રાજીનામા સુપ્રત કરી દીધા છે.
પ્રદેશ પ્રમુખને સંબોધીને મોકલવામાં આવેલા ત્રણેય રાજીનામા પત્રોમાં રાજીનામા પાછળનું કોઈ સ્પષ્ટ કારણ દર્શાવવામાં આવ્યું નથી. હોદ્દેદારોએ પત્રમાં માત્ર પક્ષ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે. આ રાજીનામાની નકલો સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ તેમજ શહેર અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારીઓને પણ જાણ અર્થે મોકલી આપવામાં આવી છે.
જામનગર શહેર સંગઠનના નવા માળખાની જાહેરાત આગામી થોડા દિવસોમાં જ થવાની શક્યતા છે. તેવા સમયે જ બંને વિધાનસભા ક્ષેત્ર તેમજ સંસદીય ક્ષેત્રના હોદ્દેદારોના રાજીનામા પડતા સ્થાનિક રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચા જાગી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt