

- ભુજમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની સહાયના હપ્તા જમા કરાવવાના બદલામાં લાંચ માગ્યાનો આક્ષેપ.
- બંને કર્મચારીઓ પાસેથી ₹4 હજારની રકમ ઝડપાઈ.
કચ્છ, 04 ઓક્ટોબર (હિ.સ.) : ભુજમાં સરકારી આવાસ યોજનાની સહાય મેળવવા માટે લાંચની માંગણી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ભુજ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા હાથ ધરાયેલા ટ્રેપમાં સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં કરાર આધારિત ફરજ બજાવતા બે સમાજ કલ્યાણ નિરીક્ષકોને ₹4 હજારની લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યા છે. 3 ઓક્ટોબર, 2026ના રોજ બહુમાળી ભવન, ભુજ ખાતે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ACBના જણાવ્યા મુજબ, આ કેસમાં એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના મકાનને પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ મંજૂરી મળેલી હતી. યોજનાની મકાન સહાયના વિવિધ હપ્તા જમા કરાવી આપવાના બદલામાં સંબંધિત કચેરીના બે કર્મચારીઓ દ્વારા ફરિયાદી પાસેથી કુલ ₹4 હજારની લાંચની માંગણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ હતો.
લાંચની રકમ આપવાની ઇચ્છા ન ધરાવતા ફરિયાદીએ સમગ્ર મામલે ભુજ ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદની હકીકતોના આધારે ACB દ્વારા કાર્યવાહી માટે આયોજન કરવામાં આવ્યું હતું. નક્કી કરાયેલા આયોજન મુજબ ફરિયાદી લાંચની રકમ આપવા પહોંચ્યો હતો. દરમિયાન બંને આરોપીઓએ લાંચની રકમ સ્વીકારી હોવાનું સામે આવતા ACBની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી બંનેને ઝડપી લીધા હતા.
ACBની કાર્યવાહીમાં આરોપી તરીકે આસિફ મુસ્તાફા કુરેશી, ઉંમર 28 વર્ષ, સમાજ કલ્યાણ નિરીક્ષક (યોજનાઓ-સ્કોલરશીપ), કરાર આધારિત કર્મચારી તથા કાનજી અરવિંદભાઈ ભટ્ટી, ઉંમર 32 વર્ષ, સમાજ કલ્યાણ નિરીક્ષક (યોજનાઓ-સ્કોલરશીપ), કરાર આધારિત કર્મચારી હોવાનું જણાવાયું છે. બંને સમાજ કલ્યાણ અધિકારીની કચેરી, વિકસિત જાતિ, ભુજ-કચ્છ ખાતે ફરજ બજાવતા હોવાનું ACBના ટ્રેપમાં નોંધાયું છે.
ટ્રેપ દરમિયાન આરોપીઓ પાસેથી લાંચ પેટે સ્વીકારવામાં આવેલી સંપૂર્ણ ₹4 હજારની રકમ રિકવર કરવામાં આવી હતી. ACBના જણાવ્યા અનુસાર બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરીને લાંચની રકમ સ્વીકારી હોવાના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.
આ સમગ્ર ટ્રેપની કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચૌધરી, ભુજ ACB પોલીસ સ્ટેશન તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar