
જામનગર, 04 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં પ્રેમલગ્ન કરવાના મુદ્દે સાળાએ બહેનના પતિને ઘરે જઈ, ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. અગાઉ પણ પ્રેમલગ્નની અદાવતે, મારામારી કરનાર આરોપી સામે પીડિત યુવકે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર વિસ્તારમાં સાંઈબાબાના મંદિર પાછળ રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા 25 વર્ષીય પાર્થ રાજેશભાઈ સોલંકીએ, આશરે ત્રણ મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. યુવકના આ પ્રેમલગ્ન તેના સાળા મયુરસિંહ સજુભા જાડેજા (રહે. પુનીતનગર)ને પસંદ ન હતા. લગ્ન સમયથી જ આ બાબતે, બંને વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો અને આરોપી મયુરસિંહે અગાઉ પણ પાર્થ સોલંકી સાથે આ જ મુદ્દે મારામારી કરી હતી.
જૂની અદાવતનો ખાર રાખીને આરોપી મયુરસિંહ જાડેજા 1 ઓક્ટોબરના રોજ બપોરે આશરે 12:30 વાગ્યે પાર્થ સોલંકીના ઘરે પહોંચ્યો હતો. ત્યાં આવીને તેણે ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેણે ફરિયાદીને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી હતી અને ત્યાંથી જતો રહ્યો હતો.
આ ઘટના બાદ પાર્થ સોલંકીએ તાત્કાલિક જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે આરોપી મયુરસિંહ સજુભા જાડેજા સામે ભારતીય ન્યાય સંહિતા-2023 (BNS) ની કલમ 351(3) અને 352 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ, આ અંગે વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘટના ગાંધીનગર વિસ્તારમાં સાંઈબાબા મંદિર પાછળ બની હોવાથી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા આ કેસમાં આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt