
કચ્છ, 04 ઓક્ટોબર (હિ.સ.) : અંજાર પોલીસ દ્વારા, નામદાર અદાલતોના સજા વોરંટની અમલવારી માટે હાથ ધરાયેલી કામગીરી દરમિયાન ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓને, કાયદેસરની કાર્યવાહી બાદ સંબંધિત કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમના જેલ વોરંટ ભરવામાં આવતા તમામને પાલારા ખાસ જેલ, ભુજ ખાતે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે.
સરહદી રેન્જ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ-ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના અનુસાર અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ, આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાએ, પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી અદાલત દ્વારા સજા ફટકારવામાં આવ્યા બાદ વોરંટ પેન્ડિંગ હોય તેવા આરોપીઓની શોધખોળ શરૂ કરાવી હતી.
પોલીસની ટીમો દ્વારા અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવસૂત્રો મારફતે માહિતી એકત્રિત કરી વોરંટમાં દર્શાવાયેલા આરોપીઓના સંભવિત રહેઠાણ અને સ્થળો અંગે તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
ઝડપાયેલા આરોપીઓમાં અંજાર તાલુકાના ખંભરા ગામના શાંતિલાલ ગંગાજી મહેશ્વરીનો સમાવેશ થાય છે. તેમના વિરુદ્ધ ગાંધીધામના આઠમા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં, ફોજદારી કેસ નંબર 8321/2021 સંદર્ભે સજા વોરંટ જારી થયેલું હતું. ઉપરાંત અંજારના મસ્જિદ નજીક રહેતા રમજુ આમદ ગાલાને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. તેમના વિરુદ્ધ ભુજ ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજની કોર્ટમાં ફોજદારી કેસ નંબર 1022/2024 સંદર્ભે કાર્યવાહી હતી.
આ ઉપરાંત અંજાર તાલુકાના લોહારીયા ગામના ભરતભાઈ ભાણજીભાઈ પરમાર તથા વલાડીયા ગામના મકાન નંબર 85 ખાતે રહેતા જગદીશ ખીમાભાઈ મરંડને પણ, પોલીસે પકડી પાડ્યા હતા. બંને આરોપીઓ સામે સંબંધિત અદાલતો દ્વારા સજા વોરંટ ફરમાવવામાં આવ્યા હતા.
અંજાર પોલીસ દ્વારા ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ પાલારા ખાતે જેલ વોરંટની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામને પાલારા ખાસ જેલ, ભુજ ખાતે મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાની દેખરેખ હેઠળ પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar