


કચ્છ, 04 ઓક્ટોબર (હિ.સ.) : ભુજની ઐતિહાસિક ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે ગાંધી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવાના હેતુથી ટ્રાફિક જાગૃતિ અને માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ તેમજ યુવા અધિકારીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી ટ્રાફિક નિયમોના પાલનનું મહત્વ સમજાવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય એન. કે. સીજુ બેન દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંગ્રેજી માધ્યમ શાળાના આચાર્ય ભૂમિબેન ચોક્સી સહિત શાળાનો સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધી સપ્તાહ નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે માય ભારત-એનવાયકે ભુજના જિલ્લા યુવા અધિકારી અમિત શર્મા ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પહાર અર્પણ કરી કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો.
અમિત શર્માએ વિદ્યાર્થીઓને ગાંધીજીના વિચારો સાથે જવાબદાર નાગરિકત્વનો સંદેશ જોડતા જણાવ્યું હતું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું માત્ર કાયદાકીય ફરજ નહીં, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી પણ છે. તેમણે સુરક્ષિત ડ્રાઇવિંગ અને માર્ગ સલામતી અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર આર. વી. જોષીએ ટ્રાફિક કાયદા, હાઇવે પર રાખવાની સાવચેતી અને અકસ્માતથી બચવાના ઉપાયો સમજાવ્યા હતા. જ્યારે સીટી ટ્રાફિકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. બી. લાખણોત્રાએ હેલ્મેટ અને સીટબેલ્ટના ફરજિયાત ઉપયોગ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા અંગે વ્યવહારુ ઉદાહરણો સાથે સમજ આપી હતી.
કાર્યક્રમ સંકલનકર્તા એમ. આઈ. બાયડે વિદ્યાર્થીઓને મળેલા માર્ગ સલામતીના સંદેશને પોતાના પરિવાર અને મિત્રો સુધી પહોંચાડવા અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેતલબેન પોકારે કર્યું હતું અને કસ્તુરબેન પિંડોરીયાએ આભારવિધિ કરી હતી. અંતે પોલીસ અધિકારીઓની આગેવાનીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાની શપથ લીધી હતી. આ રીતે જાગૃતિ અને જવાબદારીનો સંદેશ આપતા કાર્યક્રમનું સમાપન થયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar