


કચ્છ, 04 ઓક્ટોબર (હિ.સ.) : ભુજમાં નશાના દુષણ સામે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી શનિવારે વિશેષ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘મારો સંકલ્પ : નશામુક્ત ભારત’ના સંદેશ સાથે તેમજ નશાબંધી સપ્તાહ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે નશાબંધી અને આબકારી વિભાગ, ભુજ-કચ્છ દ્વારા યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો, વિદ્યાર્થીઓ અને અધિકારીઓ જોડાયા હતા.
શ્રી આર.આર. લાલન કોલેજ ખાતેથી કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. વિવિધ સંદેશો અને ટેબ્લો સાથે આગળ વધેલી આ રેલી શહેરના માર્ગો પરથી પસાર થઈ હમીરસરની પાળ ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે પહોંચી હતી. રેલી દરમિયાન નશાના નુકસાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવતો સંદેશ આપવામાં આવ્યો હતો અને વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે સામૂહિક પ્રયાસોનું આહ્વાન કરવામાં આવ્યું હતું.
રેલીમાં આર.આર. લાલન કોલેજના એનસીસી તથા એનએસએસના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજના આચાર્ય, અધ્યાપકો અને નશાબંધી વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલીના સમાપન સ્થળે ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ગાંધી વંદના કરી હતી. આ પ્રસંગે નશામુક્ત સમાજ માટે જાગૃતિ અને જવાબદારીની ભાવના સાથે આગળ વધવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા યુવા ભાજપ પ્રમુખ મિત ઠક્કર, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલ્લાસિંહ જાડેજા, ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી સહિત માનસીબેન સંઘવી, ધીરેનભાઈ લાલન, ભૌમિક વચ્છરાજાની અને જયંતભાઈ ઠક્કર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર રેલીનું આયોજન નશાબંધી અને આબકારી વિભાગ, ભુજ-કચ્છના અધિક્ષક તુષાર ધામેચાના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર એસ.પી. મારૂ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા આર.આર. લાલન કોલેજના આચાર્ય ડૉ. સી.એસ. ઝાલા તથા કોલેજ પરિવારનો સહયોગ રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar