નવરાત્રિના રંગે રંગાઈ 101થી વધુ બાળાઓ: સેવાભાવી પરિવારની પહેલથી કુમારિકાઓને મળ્યો ચણિયાચોળીનો ઉપહાર
કચ્છ, 04 ઓક્ટોબર (હિ.સ.) : નવરાત્રિના પાવન પર્વને માત્ર ઉજવણી પૂરતું સીમિત ન રાખી સમાજસેવા સાથે જોડવાનો સુંદર પ્રયાસ ભુજમાં જોવા મળ્યો હતો. ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સહયોગથી ભુજ શહેર, સુખપર તથા માધાપર વિસ્તારની 101થી વધુ નાની કુમ
ચણીયાચોળી વિતરણ કરાયું


ચણીયાચોળી વિતરણ કરાયું


ચણીયાચોળી વિતરણ કરાયું


કચ્છ, 04 ઓક્ટોબર (હિ.સ.) : નવરાત્રિના પાવન પર્વને માત્ર ઉજવણી પૂરતું સીમિત ન રાખી સમાજસેવા સાથે જોડવાનો સુંદર પ્રયાસ ભુજમાં જોવા મળ્યો હતો. ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સહયોગથી ભુજ શહેર, સુખપર તથા માધાપર વિસ્તારની 101થી વધુ નાની કુમારિકાઓને વિનામૂલ્યે ચણિયાચોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. 2થી 7 વર્ષની વયની બાળાઓને નવરાત્રિના ગરબાની પરંપરાગત વેશભૂષામાં સજાવવાનો આ સેવાકીય પ્રયાસ ઉપસ્થિતોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

ભુજ કલેક્ટર કચેરી સામે આવેલી સરકારી વસાહતના મહાદેવ મંદિર ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા હોમગાર્ડ કમાન્ડર મનીષભાઈ બારોટ, ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, સેનિટેશન શાખાના ચેરમેન મનુભા જાડેજા અને પૂર્વ નગરસેવક ધીરેનભાઈ લાલન સહિતના મહાનુભાવોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

મહિલા અગ્રણી રામુબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. સાંસદ વિનોદ ચાવડા અને મનીષ બારોટના હસ્તે દીપ પ્રગટાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણીએ ઉપસ્થિત મહેમાનો, વાલીઓ અને સેવાભાવી કાર્યકરોનું સ્વાગત કરી નવરાત્રિ દરમિયાન બાળાઓ માટે કરવામાં આવતી આ સેવા અંગે માહિતી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન 101થી વધુ કુમારિકાઓને આકર્ષક ચણિયાચોળી અર્પણ કરવામાં આવી હતી. ચણિયાચોળી મળતાં બાળાઓમાં ખુશી જોવા મળી હતી. બાળાઓ સાથે આવેલા વાલીઓ માટે પણ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પાણીપુરી પીરસવામાં આવી હતી.

સાંસદ વિનોદ ચાવડાએ આ સેવાકીય પહેલને આવકારી રામુબેન પટેલ અને તેમના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી રામુબેન પટેલ પરિવાર દ્વારા નવરાત્રિ દરમિયાન વિવિધ વર્ગની બાળાઓને ચણિયાચોળી આપવાની સેવા કરવામાં આવે છે. સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના માધ્યમથી અગાઉથી નોંધણી કરાવી લાભાર્થી બાળાઓ સુધી સેવા પહોંચાડવામાં આવે છે.

કાર્યક્રમમાં માનસીબેન સંજય વરસાણી, કાંતાબેન પિન્ટુ વરસાણી સહિત સત્યમ સંસ્થાના કાર્યકરો અને સેવાભાવી મહિલાઓ-યુવાનો જોડાયા હતા. રામજીભાઈ ગરવા તથા ભાવસારભાઈ સહિતના કાર્યકરોએ વિતરણ વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં સેવા, સંસ્કાર અને નવરાત્રિના ઉત્સવનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande