




કચ્છ, 04 ઓક્ટોબર (હિ.સ.) : પાઠ્યપુસ્તકમાં વાંચેલા સરકારી વહીવટના પાઠને જ્યારે વિદ્યાર્થીઓએ પોતાની આંખે નિહાળ્યો ત્યારે શીખવાનો અનુભવ વધુ જીવંત બની ગયો. ભુજની મહારાણી પ્રીતિદેવી સ્કૂલ અને લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલના વિદ્યાર્થીઓએ જિલ્લા સેવા સદન ખાતે શૈક્ષણિક મુલાકાત લઈ સરકારી તંત્રની કામગીરીને નજીકથી જાણી હતી. શૈક્ષણિક હેતુથી યોજાયેલી આ મુલાકાત દરમિયાન બાળકોએ વિવિધ સરકારી શાખાઓની મુલાકાત સાથે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સંવાદ કરી વહીવટી પ્રક્રિયાઓ અંગે પ્રત્યક્ષ સમજ મેળવી હતી.
શાળાના ફાઉન્ડર પ્રિન્સિપાલ રાણી સાહેબ આરતી કુમારી જાડેજા તથા શિક્ષિકા વિશ્વેશ્વરી કુમારી જાડેજા અને સંગીતા ગોરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ જિલ્લા સેવા સદનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ વિદ્યાર્થીઓ સાથે સરળ અને આત્મીય વાતચીત કરી હતી. તેમણે જિલ્લા વહીવટી તંત્રની જવાબદારીઓ, નાગરિકો સાથે જોડાયેલી કામગીરી તથા સમાજ અને દેશ પ્રત્યેની જવાબદારી વિશે બાળકોને સમજ આપી હતી. સાથે જ વિદ્યાર્થીઓને જાગૃત, શિસ્તબદ્ધ અને જવાબદાર નાગરિક બનવા માટે પ્રેરિત કર્યા હતા.
મુલાકાત દરમિયાન 'સચેત નાગરિક પર્યાવરણ રક્ષક' મિશનને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ નવરાત્રી દરમિયાન માતાના મઢ તરફ જતા માર્ગ પર સ્વચ્છતા જાળવવા અંગેનું આવેદનપત્ર પણ કલેક્ટરને સુપરત કર્યું હતું. બાળકો દ્વારા કરવામાં આવેલી આ પહેલને કલેક્ટરશ્રીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
આ ઉપરાંત વિદ્યાર્થીઓએ જિલ્લા સેવા સદનની આપત્તિ વ્યવસ્થાપન કક્ષ, ચૂંટણી શાખા, મહેસૂલ શાખા સહિતની વિવિધ શાખાઓની મુલાકાત લીધી હતી. કચેરીઓમાં કયા પ્રકારનું કામ થાય છે, લોકોની અરજીઓ અને પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે થાય છે તથા જિલ્લા સ્તરે વહીવટનું સંચાલન કેવી રીતે કરવામાં આવે છે તેની માહિતી વિદ્યાર્થીઓએ મેળવી હતી.
વિદ્યાર્થીઓએ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ પોતાના કામ માટે કચેરીમાં આવેલા નાગરિકોના ટૂંકા ઇન્ટરવ્યૂ પણ કર્યા હતા. આ પ્રવૃત્તિથી બાળકોમાં સંવાદ કૌશલ્ય અને આત્મવિશ્વાસ વિકસવા સાથે સરકારી કામગીરીનું વ્યવહારુ જ્ઞાન પણ વધ્યું હતું. સમગ્ર મુલાકાત વિદ્યાર્થીઓ માટે માત્ર શૈક્ષણિક પ્રવાસ નહીં પરંતુ વહીવટ, નાગરિક ફરજ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સમજાવતો યાદગાર અનુભવ બની રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar