
રાજકોટ, 04 ઓક્ટોબર (હિ.સ.) :
રાજકોટ શહેર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા SAY NO TO DRUGS મિશન હેઠળ, મોટી સફળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ ટીમે ગોંડલ ચોકડી નજીકથી માદક પદાર્થ ગાંજાના વિશાળ જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
આ કામગીરી દરમિયાન કુલ રૂ.૮,૩૯,૬૦૦ ની કિંમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સફળ કામગીરીથી શહેરમાં નશાકારક પદાર્થોનું ખરીદ-વેચાણ કરનાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશ ગયો છે.
રાજકોટ શહેરમાં આગામી તહેવારો અનુસંધાને યુવાધન નશાના રવાડે ના ચડે તેમજ નાર્કોટીક્સ પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ અટકાવી શકાય તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે, સેવન કરનારા ઇસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાનૂની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી.
જેના અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટર એન.બી. ચૌધરીની રાહબરી હેઠળ તથા પોલીસ સબ ઇન્સપેક્ટર બી.વી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા સતત સઘન પેટ્રોલિંગ અને ચોક્કસ બાતમીદારોનું નેટવર્ક ગોઠવવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઈ. રવિભાઈ વાંક, ભરતસિંહ પરમાર તથા હેડ કોન્સ્ટેબલ સ્નેહભાઈ ભાદરકાને સંયુક્તપણે ચોક્કસ ખાનગી બાતમી મળી હતી. બાતમીમાં જણાવ્યા મુજબ સફેદ કલરનો કાળા ટપકાંવાળી ડિઝાઇનનો શર્ટ પહેરેલ વાસુદેવ ભગવાન ગીરાસે નામનો શખ્સ તથા તેની સાથે રવિન્દ્ર મહાડીક અને અજય સુભાષભાઈ જાદવ નામના બે ઇસમો મળી કુલ ત્રણેય ઇસમો થોડી વારમાં ગોંડલ ચોકડી પાસે આવવાના હતા.
આ ત્રણેય ઇસમો પાસે અલગ-અલગ થેલાઓમાં માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો હોવાની પાકી માહિતી મળી હતી. મળેલી ચોક્કસ માહિતીના આધારે એસ.ઓ.જી. ટીમે બતાવેલી જગ્યા પર વોચ ગોઠવીને ત્રણેય આરોપીઓને કોર્ડન કરી પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં વાસુદેવ ભગવાનભાઈ ગીરારો (ઉંમર ૨૬, હાલ રહેવાસી રોલેક્ષ ગોડાઉન, ખોડીયારનગર, રાજકોટ, મૂળ શિરપુર, ધુલીયા, મહારાષ્ટ્ર), રવિન્દ્ર પરમેશ્વર મહાડીક (ઉંમર ૪૦, રહેવાસી જલગાંવ, મહારાષ્ટ્ર) અને અજય સુભાષભાઈ જાદવ (ઉંમર ૩૬, રહેવાસી ઓલ્ડ ધુલીયા, મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે.
પોલીસે ત્રણેય ઇસમોની તલાશી લેતા તેમની પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા મુદામાલની વિગત જોતા ₹૮,૨૯,૬૦૦ ની કિંમતનો ૧૬.૫૯૨ કિલોગ્રામ માદક પદાર્થ ગાંજો, ₹૫,૦૦૦ ની કિંમતનો વન પ્લસ કંપનીનો ટચ સ્ક્રીન મોબાઈલ, ₹૫,૦૦૦ ની કિંમતનો રિયલમી કંપનીનો ટચ સ્ક્રીન મોબાઈલ તેમજ જાંબલી અને વાદળી રંગના થેલા કબ્જે કરવામાં આવ્યા છે.
જપ્ત કરાયેલા પદાર્થનું એફ.એસ.એલ. અધિકારી કે.એમ. તાવીયા દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt