
બોટાદ, 05 ઓક્ટોબર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માર્ગ સલામતીને પ્રાથમિકતા આપી બોટાદ ARTO કચેરી દ્વારા વાહનોમાં લગાવવામાં આવેલી અનધિકૃત તથા વધુ પ્રકાશ આપતી LED લાઈટ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
માર્ગો પર વાહનોની અવરજવર દરમિયાન અનધિકૃત અને વધુ તેજ પ્રકાશ આપતી LED લાઈટના ઉપયોગથી અન્ય વાહનચાલકોની દૃશ્યતા પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. ખાસ કરીને સામેથી આવતા વાહનચાલકોને વધુ પ્રકાશને કારણે રસ્તો સ્પષ્ટ રીતે જોવામાં મુશ્કેલી પડવાની શક્યતા રહે છે, જેના કારણે માર્ગ અકસ્માતનું જોખમ પણ વધી શકે છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને ARTO બોટાદની ટીમ દ્વારા વિવિધ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન વાહનોમાં લગાવવામાં આવેલી લાઈટ અંગે તપાસ કરી વાહનચાલકોને નિયમોનુસાર લાઈટનો ઉપયોગ કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વાહનચાલકોને સમજાવવામાં આવ્યું હતું કે, વાહનમાં અનધિકૃત કે વધુ પ્રકાશ આપતી LED લાઈટનો ઉપયોગ ટાળવો જોઈએ. માર્ગ પર વાહન ચલાવતી વખતે પોતાની સાથે અન્ય વાહનચાલકો, રાહદારીઓ અને અન્ય માર્ગ વપરાશકર્તાઓની સલામતીનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
ARTO બોટાદ દ્વારા વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને માર્ગ સલામતીમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત હાથ ધરાયેલ આ કામગીરીનો હેતુ માર્ગો પર સુરક્ષિત વાહનવ્યવહાર સુનિશ્ચિત કરવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA