
અમદાવાદ, 05 ઓકટોબર (હિ.સ.) : અમદાવાદમાં રોજ રોડ અકસ્માતના સમાચાર આવે છે. રવિવારે મોડી રાતે અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઉપરાંત અમદાવાદ શહેરના પીએસઆઈ ભરત પંડ્યાએ સાબરમતીના ત્રાગડ રબારી વાસના નાકે ગાડી ચલાવી અક્સ્માત કર્યો હતો.
પીએસઆઈ ભરત પંડ્યાનો પણ એક વિડિયો વાયરલ થયો છે. જેમાં પીએસઆઈ પંડ્યાની ક્રેટાની ડેકીમાં દારૂની બોટલ હતી. તેમણે દારૂ પીધેલી હાલતમાં સાબરમતીના ત્રાગડ રબારી વાસના નાકે ગાડી ચલાવી અક્સ્માત કર્યો હતો. ત્યાર બાદ સ્થાનિકોએ પીએસઆઈ પંડયાને ઘેરીને વિડિયો બનાવ્યો હતો.
આ અંગે પોલીસને જાણ કરતા સાબરમતી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાંથી પીએસઆઈ પંડ્યા અને ગાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પોલીસ સ્ટેશનથી મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા છે.
એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં વિશાલા બીટ ઈનચાર્જ તરીકે ફરજ બજાવતા પીએસઆઈ ભરત પંડ્યા રિંગ રોડ તરફ રહે છે. અગાઉ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે પણ દારૂ પીધેલી હાલતમાં અક્સ્માત કરીને લારીઓ ઊંધી પાડી દીધી હોવાનો વિડિયો સાથે આક્ષેપ કરવામાં આવ્યા હતા. પીએસઆઈ પંડ્યાને થોડા સમય અગાઉ તેમના જ બીટમાં ફરજ બજાવતા ટીઆરબી જવાને ફરજ દરમિયાન રિપોર્ટ કરતા મારવાની ધમકી આપી હતી. જે મામલે ફરિયાદ પણ નોંધાઈ હતી.
તો બીજો બનાવ પૂર્વ વિસ્તારમાં નરોડા ફૂટ માર્કેટ પાસે મોડીરાત્રે આશરે 3 વાગ્યાના સુમારે એક બેફામ ટ્રાન્સપોર્ટ ટ્રકે બીઆરટીએસ ટ્રેકની રેલિંગને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.
નરોડાથી કાલુપુર તરફ જઈ રહેલા ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રેલિંગમાં ઘૂસી ગઈ હતી, જેના કારણે ફૂટ માર્કેટ બસ સ્ટેશન નજીક એક સ્ટીકર પોલ સહિત 10 જેટલી રેલિંગને ભારે નુકસાન પહોંચ્યું છે. સદનસીબે મોડી રાત્રે આ ઘટના બની હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ