


- હાઇકોર્ટમાં વકીલોની એન્ટ્રીનો ગેટ બંધ કર્યો
- સુરતમાં રેન્ટ એક્ટ પાછો ખેંચો...ના નારા લગાવ્યા.
અમદાવાદ, 05 ઓકટોબર (હિ.સ.) : ગુજરાત ભાડા વિધેયક-2026ના વિરોધમાં રાજ્યના વકીલોએ આજથી અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. રાજ્યના 182 વકીલ મંડળોની આગેવાનીમાં કોર્ટ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં સતત ત્રણ દિવસ વિરોધ પ્રદર્શિત કરાયા બાદ પણ કોઈ ઉકેલ ન આવતા ગુજરાત બાર એસોસિએશન દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું આહવાન કર્યું હતું.
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા વકીલોને કોર્ટમાં ઉપસ્થિત ન રહેવા આહવાન કરવામાં આવ્યો છે. જેથી હાઇકોર્ટમાં વકીલોને એન્ટર થવાનો ગેટ બંધ કરવામાં આવ્યો છે. તેમજ બીજા ગેટ ઉપર ભીડ જોવા મળી છે. વકીલો કામથી અળગા રહેવાથી ચાલી રહેલા કેસોને પણ તેની અસર થશે.
ગુજરાત ભાડા વિધેયક-2026ને લઈને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને વિવિધ વકીલ મંડળો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો બાદ સરકાર દ્વારા હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું છે. આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી.
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ કહ્યું કે, ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશન દ્વારા બે દિવસ માટે કામકાજથી દૂર રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મારો વ્યક્તિગત મત એવો છે કે, આ કાયદો બિલ્ડરો અને ઉચ્ચ અધિકારીઓના લાભાર્થે લાવવામાં આવ્યો છે.
નવા વિધેયક અનુસાર, ભાડા કરાર અને તેનાથી ઊભા થતા વિવાદોના ઉકેલ માટે સિવિલ કોર્ટ કે સ્મોલ કોઝ કોર્ટની જગ્યાએ વહીવટી તંત્રના અધિકારીઓ (જેમ કે નાયબ મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર) નિર્ણય લેશે.
નવા ભાડા અધિનિયનને લઈને વકીલોની રોજગારી અને કેસની ન્યાયિક પ્રક્રિયા પર અસરને લઈને વકીલો વિરોધ કરી રહ્યા છે. વકીલો અને એસોસિએશન જૂનો કાયદો હતો તે જ યથાવત રાખવાની માગ કરી રહ્યા છે.
બેઠક દરમિયાન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત ભાડા વિધેયક-2026ની વિવિધ જોગવાઈઓ અંગે સરકાર સમક્ષ વિગતવાર રજૂઆતો કરવામાં આવી હતી. ખાસ કરીને વિધેયકની કેટલીક જોગવાઈઓથી વકીલો તથા આમ જનતા પર થનારી સંભવિત અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત ભાડૂઆત અને મકાન માલિક વચ્ચેના વિવાદોના નિવારણની સત્તા સિવિલ કોર્ટ પાસેથી લઈને રેવન્યુ અધિકારીઓને સોંપવા અંગેની જોગવાઈને લઈને પણ કાનૂની અને વ્યવહારુ પાસાઓ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
આ મુદ્દે આગામી 6 ઓક્ટોબર, મંગળવારે વધુ એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યો તેમજ અમદાવાદ સ્મોલ કોઝ અને સિટી સિવિલ કોર્ટના વકીલ મંડળોના હોદ્દેદારો હાજર રહેશે.
સરકાર તરફથી શહેરી વિકાસ વિભાગ અને કાયદા વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. બેઠકમાં ગુજરાત ભાડા વિધેયક-2026ની સંબંધિત જોગવાઈઓ અંગે બાર કાઉન્સિલ તથા વકીલ મંડળો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો પર વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. સરકાર દ્વારા તમામ સંબંધિત હિતધારકોની રજૂઆતોને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ