



- મુંદરા તાલુકાના ભોરારા ગામે પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત દરમિયાન હોમસ્ટેનું લોકાર્પણ
કચ્છ, 05 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છની ધરતી પર પ્રાકૃતિક ખેતી અને પશુપાલનને નવી દિશા આપતા પ્રયાસોને પ્રોત્સાહન આપવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મુંદરા તાલુકાના ભોરારા ગામની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પ્રગતિશીલ ખેડૂત જીવરાજભાઈ ગઢવીના ‘જય માતાજી પ્રાકૃતિક ફાર્મ’ની મુલાકાત લઈ ખેતીની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન રાજ્યપાલએ જાતે ગાય દોહીને ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અને પશુપાલન અંગે સંવાદ કર્યો હતો.
ફાર્મની મુલાકાત દરમિયાન રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી સાથે પશુપાલનને જોડીને ખેડૂતો પોતાની આવકના નવા સ્ત્રોત ઊભા કરી શકે છે. પશુઓના સંવર્ધન અને પશુપાલન ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદનક્ષમતા વધારી ખેતીને વધુ આર્થિક રીતે સક્ષમ બનાવી શકાય છે. તેમણે ખેડૂતોને પરંપરાગત જ્ઞાન સાથે નવી ટેકનોલોજી અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
રાજ્યપાલએ ફાર્મ ખાતે શાકભાજીના હાર્વેસ્ટિંગમાં પણ ભાગ લીધો હતો. અહીં વિકસાવવામાં આવેલા મલ્ટી લેયર શાકભાજી મોડેલની કામગીરી નિહાળી તેમણે તેને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. ઓછા સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરીને વધુ ઉત્પાદન મેળવવાના આવા પ્રયોગો પ્રાકૃતિક ખેતીને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
કચ્છમાં ખેતી આધારિત પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્યપાલએ પ્રાકૃતિક ફાર્મ ખાતે તૈયાર કરવામાં આવેલા હોમસ્ટેનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. કચ્છની પ્રાકૃતિક ખેતી, ગ્રામ્ય જીવનશૈલી અને સ્થાનિક સંસ્કૃતિ સાથે પ્રવાસીઓને જોડવામાં આવા ઇકો એગ્રો ટુરીઝમ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ બની શકે છે.
રાજ્યપાલએ ખેડૂત જીવરાજભાઈ ગઢવી સાથે સંવાદ કરી તેમની પ્રાકૃતિક ખેતી પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. એક સમયે રાસાયણિક ખેતીના કારણે જમીનની ગુણવત્તા ઘટી ગઈ હતી, પરંતુ સતત પ્રયાસોથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ 2.85થી વધુ પહોંચ્યું હોવાનું જાણવા મળતા તેમણે ખેડૂતને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ગ્રામજનો, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડા અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સહિતના અધિકારીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar