




- મુન્દ્રા તાલુકાના ભોરારા ગામે આચાર્ય દેવવ્રતની આત્મીય મુલાકાત, પરિવાર સાથે સંવાદ કરી લોકભવન આવવા આપ્યું આમંત્રણ
કચ્છ, 05 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છની બે દિવસીય મુલાકાતે આવેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મુન્દ્રા તાલુકાના ભોરારા ગામે અનુસૂચિત જાતિના પરિવારના નિવાસસ્થાને પહોંચી સવારનો નાસ્તો કરી સામાજિક સમરસતા અને સાદગીનો સંદેશ આપ્યો હતો. રાજ્યપાલએ કાનજીભાઈ જેઠાભાઈ મહેશ્વરીના ઘરે પરિવારજનો સાથે આત્મીય વાતચીત કરી કચ્છની આગતા-સ્વાગતાની પરંપરાને પણ બિરદાવી હતી.
પરિવાર સાથેના સંવાદ દરમિયાન રાજ્યપાલએ બાળકોના શિક્ષણ, સંસ્કાર અને પરિવારની આજીવિકા અંગે માહિતી મેળવી હતી. તેમણે પરિવારના મોભી કાનજીભાઈને બાળકોને સારું શિક્ષણ અપાવવા તેમજ કોઈપણ પરિસ્થિતિમાં તેમનું ભણતર અધૂરું ન રહે તે માટે ખાસ કાળજી રાખવા જણાવ્યું હતું. જીવનમાં મહેનત અને સ્વાવલંબનનું મહત્વ સમજાવતા તેમણે કોઈપણ કામને નાનું ન ગણવાની અને મહેનતથી આર્થિક પ્રગતિ કરવાની પ્રેરણા આપી હતી.
કાનજીભાઈના પરિવાર દ્વારા ચાર જેટલી ગાયોનું પાલન કરવામાં આવે છે તે જાણીને રાજ્યપાલએ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી થતા લાભો અંગે પરિવારને માર્ગદર્શન આપ્યું હતું અને ખેતી સાથે ફળફળાદી ઉગાડી આવકના નવા સ્ત્રોત ઊભા કરવા અંગે પણ સૂચનો કર્યા હતા. આ પરિવારને ગાંધીનગર સ્થિત લોકભવનની મુલાકાત લેવા રાજ્યપાલએ આમંત્રણ આપ્યું હતું.
નાસ્તા દરમિયાન રાજ્યપાલએ કચ્છના વિકાસ અંગે જિલ્લા અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. તેમણે છેલ્લા 25 વર્ષમાં કચ્છમાં થયેલા વિકાસની નોંધ લેતાં પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કચ્છના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત લઈ આ પદ્ધતિ અપનાવે તે માટે પ્રયાસો કરવા તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સહિતના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar