




કચ્છ, 05 ઓક્ટોબર (હિ.સ.) : આધુનિક જીવનશૈલીમાં મોબાઈલ અને ટેક્નોલોજીનો વધતો ઉપયોગ માનવીના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને અસર કરી રહ્યો છે ત્યારે સ્વસ્થ અને સંતુલિત જીવન માટે નિયમિત યોગ, પ્રાણાયામ અને ધ્યાનને દૈનિક જીવનનો હિસ્સો બનાવવો જરૂરી છે, તેમ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું. મુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામની પ્રાથમિક શાળામાં રાત્રિનિવાસ બાદ વહેલી સવારે તેમણે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ કરી આરોગ્યપ્રદ જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો.
યોગાભ્યાસ દરમિયાન રાજ્યપાલએ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનના મહત્વ વિશે સમજ આપતાં જણાવ્યું હતું કે, સતત કલાકો સુધી મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરવાથી શરીરની ગતિશીલતા ઘટે છે અને લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાની ટેવ આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે. આવી પરિસ્થિતિમાં રોજિંદા જીવનમાંથી થોડો સમય કાઢીને યોગ અને પ્રાણાયામ કરવાથી શરીરને સક્રિય રાખવાની સાથે મનને પણ શાંતિ અને એકાગ્રતા મળે છે.
ભારતની પ્રાચીન યોગ પરંપરાને વિશ્વસ્તરે મળેલી ઓળખનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે યોગને વૈશ્વિક સ્તરે વિશેષ પ્રતિષ્ઠા મળી છે. યોગ માત્ર કસરત નહીં પરંતુ સ્વસ્થ શરીર, સ્થિર મન અને શિસ્તબદ્ધ જીવન તરફ દોરી જતી જીવનપદ્ધતિ છે.
તેમણે જિમ અને યોગ વચ્ચેનો તફાવત સમજાવતાં જણાવ્યું હતું કે, શારીરિક કસરત શરીરના બાહ્ય સ્વરૂપને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે, જ્યારે યોગ અને પ્રાણાયામ શરીરની આંતરિક કાર્યક્ષમતા તથા માનસિક સંતુલન જાળવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કપાલભાતિ, અનુલોમ-વિલોમ અને ભસ્ત્રિકા જેવા પ્રાણાયામના નિયમિત અભ્યાસથી શ્વાસપ્રક્રિયા સુધારવામાં, તણાવ ઘટાડવામાં અને એકાગ્રતા વધારવામાં મદદ મળી શકે છે.
આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો રજૂ કરતાં રાજ્યપાલએ તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે બાળકોને જીવનમાં સારા પુસ્તકો વાંચવાની ટેવ કેળવવા અને જ્ઞાનવર્ધક વાંચન તરફ આગળ વધવા પ્રેરિત કર્યા હતા. સાથે જ કોઈ ભૂલ થાય ત્યારે તેને છુપાવવાને બદલે માતા-પિતા અથવા ગુરુજનો સમક્ષ નિર્ભયતાથી સ્વીકારી માર્ગદર્શન મેળવવાની શીખ પણ આપી હતી.
અંતે રાજ્યપાલએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોને નિયમિત યોગ-પ્રાણાયામ દ્વારા સ્વસ્થ, શિસ્તબદ્ધ અને સકારાત્મક જીવન જીવવા અનુરોધ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar