
ભાવનગર, 05 ઓક્ટોબર (હિ.સ.) : સ્વચ્છ અને હરિયાળા ભાવનગરના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. શહેરના વિવિધ તળાવોની સ્વચ્છતા અને જાળવણીને વધુ સુદૃઢ બનાવવા માટે ‘ફ્લોટિંગ ટ્રેશ ક્લીનિંગ મશીન’નું લોકાર્પણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તળાવોમાં એકત્રિત થતા તરતા કચરા તેમજ પાણીમાં ઊગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ, ખાસ કરીને જળકુંભી દૂર કરવામાં આ આધુનિક મશીન મહત્વપૂર્ણ સાબિત થશે. મશીનની મદદથી તળાવની સપાટી પર રહેલો કચરો ઝડપથી એકત્રિત કરી દૂર કરી શકાશે, જેના કારણે તળાવોની નિયમિત સફાઈ વધુ અસરકારક અને સરળ બનશે.
તળાવોમાં કચરો અને જળકુંભીનું પ્રમાણ વધવાથી પાણીની ગુણવત્તા પર પણ પ્રતિકૂળ અસર થતી હોય છે. ત્યારે આ મશીનના ઉપયોગથી તળાવોની સ્વચ્છતા જળવાઈ રહેવાની સાથે જળ પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે.
મહાનગરપાલિકા દ્વારા શહેરના જળાશયોની સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સુંદરતા જાળવવા માટે કરવામાં આવેલી આ પહેલથી ભાવનગરને વધુ સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવાના પ્રયાસોને વેગ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA