પ્રમુખસ્વામી મહારાજના જીવન પર આધારિત જીવનચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન
- ‘એક જ લેખક દ્વારા લખાયેલા વિશ્વના સૌથી વિસ્તૃત જીવનચરિત્ર’ તરીકે સત્તાવાર માન્યતા આપવામાં આવી. - ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં ભારતીય સનાતન સંસ્કૃતિનું ગૌરવગાન: મહંત સ્વામી મહારાજને તેઓની 93મી જન્મજયંતીના અવસરે લંડનના OVO અરીના વેમ્બલી ખાતે બહુમાનપત
ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન


ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન


ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન


- ‘એક જ લેખક દ્વારા લખાયેલા વિશ્વના સૌથી વિસ્તૃત જીવનચરિત્ર’ તરીકે સત્તાવાર માન્યતા આપવામાં આવી.

- ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં ભારતીય સનાતન સંસ્કૃતિનું ગૌરવગાન: મહંત સ્વામી મહારાજને તેઓની 93મી જન્મજયંતીના અવસરે લંડનના OVO અરીના વેમ્બલી ખાતે બહુમાનપત્ર અર્પણ કરવામાં આવ્યું.

ગાંધીનગર, 05 ઓક્ટોબર (હિ.સ.) પ્રમુખસ્વામી મહારાજના જીવન પર 13 ગ્રંથોમાં વિસ્તરેલા, 8,848 પાનાં અને 21,46,447 શબ્દો ધરાવતા બૃહદ્ જીવનચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા એક જ લેખક દ્વારા લખાયેલા વિશ્વના સૌથી વિસ્તૃત જીવનચરિત્ર તરીકે સત્તાવાર માન્યતા આપવામાં આવી છે.

સંસ્કૃતના વિદ્વાન અને પીએચ.ડી. એવા આદર્શજીવનદાસ સ્વામી દ્વારા લખાયેલું ‘બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: વિસ્તૃત જીવનચરિત્ર’ બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી મહારાજના (1921–2016) 94 વર્ષના અસાધારણ જીવન અને તેમના ચિરંજીવ પ્રદાનનું આલેખન કરે છે.

આ જીવનચરિત્રમાં પ્રમુખસ્વામી મહારાજના 1921માં થયેલા જન્મથી લઈને 2016માં થયેલા અક્ષરધામગમન સુધીની જીવનયાત્રા આલેખવામાં આવી છે. તેમાં તેમનું આધ્યાત્મિક નેતૃત્વ, નમ્રતા, નિઃસ્વાર્થ સેવા અને ભક્તિ તથા વિશ્વભરમાં કરેલાં વ્યાપક સેવાકાર્યોનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. જુલાઈ 2017થી ઑગસ્ટ 2020 સુધીના 38 મહિનાના ગહન સંશોધન અને લેખન દ્વારા આ ગ્રંથશ્રેણી તૈયાર કરવામાં આવી હતી.

રવિવાર,4 ઑક્ટોબર 2026ના રોજ લંડનના OVO અરીના વેમ્બલી ખાતે મહંતસ્વામી મહારાજની 93મી જન્મજયંતીની ઉજવણી દરમિયાન તેમને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સનું પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. અરીનામાં ઉપસ્થિત 11,000 લોકો તથા વિશ્વભરમાં લાઇવ વેબકાસ્ટ દ્વારા જોડાયેલા બીજા લાખો લોકો આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા.

પ્રમાણપત્ર અર્પણ કરનાર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સના વરિષ્ઠ નિર્ણાયક કાર્લ સૅવિલે જણાવ્યું: “એક જ લેખક દ્વારા લખાયેલા સૌથી વિસ્તૃત જીવનચરિત્ર માટે આજે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ વતી આ પ્રમાણપત્ર અર્પણ કરવું મારા માટે ખરેખર આનંદ, સૌભાગ્ય અને સન્માનની બાબત છે.

“ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સનો એક બ્રાન્ડ તરીકે મુખ્ય ઉદ્દેશ વિશ્વભરની અદ્ભુત સિદ્ધિઓનું દસ્તાવેજીકરણ કરવાનો અને એવી અનોખી તથા વિશિષ્ટ સિદ્ધિઓને લોકો સમક્ષ મૂકવાનો છે, જે આજ સુધી પૃથ્વી પર અન્ય કોઈએ હાંસલ કરી નથી. આથી, સમગ્ર જીવનનું દસ્તાવેજીકરણ કરતી આ વિશિષ્ટ રેકોર્ડ સિદ્ધિ સાથે તેનો ગહન સંબંધ છે.”

આ સિદ્ધિ અંગે લેખક આદર્શજીવનદાસ સ્વામીએ જણાવ્યું: “આ જીવનચરિત્રના લેખક કરતાં જેમનું જીવનચરિત્ર લખાયું છે તેમનું મહત્ત્વ અનંતગણું વધારે છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું જીવન ગહન આધ્યાત્મિકતા, અપાર નમ્રતા અને વૈશ્વિક સંવાદિતા, કરુણા તથા સહાનુભૂતિ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાથી સભર હતું. તેમના દિવ્ય જીવન અને ચિરંજીવ પ્રદાનનું આલેખન કરવું મારા માટે સન્માન અને સૌભાગ્યની બાબત હતી.”

આ જીવનચરિત્ર અસાધારણ સાહિત્યિક વ્યાપનો રેકોર્ડ હોવા ઉપરાંત આધ્યાત્મિકતા, સેવા અને અન્યના કલ્યાણ માટે સમર્પિત જીવનનો વિશાળ ઐતિહાસિક દસ્તાવેજસંગ્રહ છે. તે વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યને સંરક્ષિત કરે છે. આ ગ્રંથશ્રેણીના વિવિધ ગ્રંથોની 3,10,000થી વધુ નકલોનું વેચાણ થઈ ચૂક્યું છે.

ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે ફેબ્રુઆરી 2026 માં ભારતના વડોદરા ખાતે 12,723 બાળકોએ એકસાથે મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત ‘સત્સંગદીક્ષા’ ગ્રંથના સંસ્કૃત શ્લોકોનું પઠન કરીને ‘વિશ્વના સૌથી મોટા સામૂહિક હિન્દુ ધર્મગ્રંથ પઠન’ નો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો. આ વ્યાપક અભિયાનના ભાગરૂપે 15,000થી વધુ બાળકોએ આ ધર્મગ્રંથના તમામ 315 સંસ્કૃત શ્લોકો કંઠસ્થ કર્યા હતા.

આ પુસ્તકના લેખક બી. એ. પી. એસ. ના સંત આદર્શજીવનદાસ સ્વામી, પીએચ.ડી., સંસ્કૃતના વિદ્વાન છે. તેમણે પૂર્વે મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી મેળવી હતી. ત્યાર બાદ સંસ્કૃતમાં અનુસ્નાતક અભ્યાસ કર્યો હતો અને બે ડૉક્ટરેટની પદવીઓ પ્રાપ્ત કરી છે. તેમણે 17 પુસ્તકો લખ્યાં છે, અન્ય આઠ પુસ્તકોના સહલેખક રહ્યા છે અને 300થી વધુ વિશાળ ફલકનાં નાટકો/સંવાદો લખ્યાં છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande