
ભાવનગર, 05 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા શ્રી બ્રહ્મર્ષિ વશિષ્ઠ પ્રાથમિક શાળા નં. 2 (કુમાર), કુંભારવાડા સર્કલ ખાતે ફાયર સેફ્ટી અંગે જાગૃતિ અને માર્ગદર્શન આપવા માટે ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડેમોન્સ્ટ્રેશન દરમિયાન શાળાના વિદ્યાર્થીઓને આગ લાગતી વખતે રાખવાની સાવચેતી, આગથી બચવાના ઉપાયો તેમજ કટોકટીની પરિસ્થિતિમાં સલામત રીતે બહાર નીકળવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફાયર વિભાગના કર્મચારીઓએ વિવિધ પ્રકારની આગની પરિસ્થિતિમાં કયા પ્રકારના અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરવો અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે પ્રત્યક્ષ નિદર્શન દ્વારા સમજાવ્યું હતું.
આ ઉપરાંત આગ લાગવાના સંભવિત કારણો, શોર્ટ સર્કિટથી થતી આગથી બચવા માટેની તકેદારી તથા આગની ઘટના બને ત્યારે ગભરાયા વિના તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવા અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ફાયર ડેમોન્સ્ટ્રેશન દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ફાયર સેફ્ટી અંગે વિવિધ પ્રશ્નો પૂછીને જરૂરી માહિતી મેળવી હતી. શાળાના શિક્ષકોને પણ આગ જેવી કટોકટીની સ્થિતિમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૂરી સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં ફાયર સેફ્ટી અંગે સમજ વધે અને આપત્તિના સમયે સલામત રીતે પરિસ્થિતિનો સામનો કરી શકાય તે હેતુ સિદ્ધ થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA