
ભાવનગર, 05 ઓક્ટોબર (હિ.સ.) : તળાજા તાલુકાના ત્રાપજ સેજાના બેલા ગામ ખાતે આવેલા બેલા-૨ આંગણવાડી કેન્દ્રમાં પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી વૃક્ષારોપણ તથા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો, લાભાર્થીઓ, ગ્રામજનો તેમજ સ્થાનિક આગેવાનો જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્ર અને આસપાસના વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણનું જતન, વૃક્ષોના સંરક્ષણ અને સ્વચ્છતા જાળવવા અંગે ઉપસ્થિત સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. વૃક્ષો માનવજીવન માટે કેટલા મહત્વપૂર્ણ છે અને સ્વચ્છ પર્યાવરણથી સ્વસ્થ જીવન કેવી રીતે શક્ય બને છે તે અંગે પણ સમજ આપવામાં આવી હતી.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્ર તથા આસપાસના વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી. કચરો ગમે ત્યાં ન નાખવો, કચરાનો યોગ્ય નિકાલ કરવો તેમજ જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવામાં સૌએ સહભાગી બનવું જોઈએ તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા માત્ર અભિયાન પૂરતું સીમિત ન રાખી તેને રોજિંદા જીવનનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.
ગ્રામજનોએ પણ સ્વચ્છતા જાળવવા અને વધુમાં વધુ વૃક્ષો વાવી તેના સંરક્ષણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA