
નવસારી, 06 ઓક્ટોબર (હિ.સ.)-રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, નવસારીના સંયુક્ત ઉપક્રમે 70મી અખિલ ભારતીય SGFI હેન્ડબોલ રાજ્યકક્ષાની સ્પર્ધાનો બીલીમોરા ખાતે ભવ્ય પ્રારંભ થયો હતો. બી.વી.કે. મંડળ સંચાલિત વી.એસ. પટેલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના રમત મેદાન ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
5 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી કુલ 35 જિલ્લાની ટીમો ભાગ લઈ રહી છે. અંડર-17 અને અંડર-19 ભાઈઓ તથા બહેનોના વિવિધ વર્ગોમાં હેન્ડબોલની રોમાંચક સ્પર્ધાઓ યોજાઈ રહી છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પ્રતિભાશાળી ખેલાડીઓ મેદાન પર રમતકૌશલ્ય, ચપળતા, શિસ્ત અને ખેલદિલીનું પ્રદર્શન કરી રહ્યા છે. ખેલાડીઓને સ્પર્ધા દરમિયાન જરૂરી આરોગ્યલક્ષી સહાય મળી રહે તે માટે મેદાન ખાતે મેડિકલ ટીમ અને ફિઝિયોથેરાપી ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન અમિતાબેન પટેલ, બીલીમોરા નગરપાલિકાના પ્રમુખ મનીષભાઈ પટેલ, ચીફ ઓફિસર સંદીપભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નરેશભાઈ નેમાણી, આતલિયા ગામના ઉપસરપંચ જયેશભાઈ પટેલ, બી.વી.કે. મંડળના ટ્રસ્ટીઓ, પ્રાધ્યાપક ડૉ. ભાવેશભાઈ દેવતા તથા સંસ્થાના આચાર્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
આ રાજ્યકક્ષાની સ્પર્ધા યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે મહત્વપૂર્ણ મંચ પૂરો પાડવાની સાથે રાજ્યમાં હેન્ડબોલ રમતને પ્રોત્સાહન આપશે. સાથે જ ખેલાડીઓમાં સ્પર્ધાત્મક ભાવના, શિસ્ત અને ખેલદિલીના વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે