
પાટણ, 06 ઓક્ટોબર (હિ.સ.) સરપંચ-ઉપસરપંચ દંપતીને તાજેતરમાં પદભ્રષ્ટ કરાયા બાદ પંચાયતના વહીવટ માટે ચૂંટણી યોજાઈ | હવે સરપંચની ચૂંટણી યોજાય ત્યાં સુધી વિમલ પટેલ કાર્યકારી સરપંચ તરીકે કામગીરી સંભાળશે
સિદ્ધપુર તાલુકાના બિલીયા ગામે ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં ઉપસરપંચ પદના ઉમેદવાર વિમલ અશ્વિનભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
બિલીયા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ સંગીતા પટેલ અને ઉપસરપંચ તેમના પતિ વિજયકુમાર મગનલાલ પટેલને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાજેતરમાં પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. આ પગલાં બાદ ગ્રામ પંચાયતનો વહીવટ સરળતાથી ચાલી શકે તે માટે તંત્ર દ્વારા ઉપસરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.
પેટા ચૂંટણી દરમિયાન ઉપસરપંચ પદ માટે વિમલ અશ્વિનભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. તેમની સામે અન્ય કોઈ ઉમેદવાર મેદાનમાં ન હોવાથી તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
હવે બિલીયા ગ્રામ પંચાયતમાં નિયમિત સરપંચની ચૂંટણી યોજાય ત્યાં સુધી વિમલ પટેલ કાર્યકારી સરપંચ તરીકે પંચાયતનો વહીવટ સંભાળશે. આ અંગે તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી.
સરપંચ અને ઉપસરપંચ બંને સામે તંત્ર દ્વારા થયેલી કાર્યવાહી બાદ પંચાયતના વહીવટમાં સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પેટા ચૂંટણી મહત્વપૂર્ણ બની હતી. નવા ઉપસરપંચની બિનહરીફ વરણીથી હાલ પંચાયતનો વહીવટ આગળ ધપાવવાનો માર્ગ મોકળો થયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ