

પોરબંદર, 06 ઓક્ટોબર (હિ.સ.) રાષ્ટ્રીય પોષણ માહ અને આંગણોત્સવ-2026 અંતર્ગત
પોરબંદર જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે
રાજ્યના પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત નોંધાયેલા 3 થી 6 વર્ષના બાળકો તેમજ
કિશોરીઓની સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે પોરબંદર
જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે આરોગ્ય અને પોષણ વિષયક ચિત્ર સ્પર્ધાનું
આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારની કિશોરીઓ માટેની ‘પૂર્ણા યોજના’
(PURNA Scheme for
Adolescent Girls) અંતર્ગત આરોગ્ય, પોષણ, શિક્ષણ, જીવન કૌશલ્ય અને સશક્તિકરણ જેવા વિષયો અંગે જાગૃતિ કેળવવા તેમજ
બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન (BCC)ને
પ્રોત્સાહન આપવાના હેતુથીઆ ચિત્ર
સ્પર્ધાનુંઆયોજન કરવામાં આવ્યું હતું. આ
પ્રવૃત્તિના માધ્યમથી આરોગ્ય અને પોષણ અંગે જનજાગૃતિ ફેલાવવાની સાથે વર્લ્ડ
રેકોર્ડ સર્જવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.
આ આયોજન અંતર્ગત પોરબંદર જિલ્લાના તમામ
આંગણવાડી કેન્દ્રો ખાતે બાળકો અને કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જિલ્લામાંથી
6,920 થી વધુ બાળકો અને 5,062થી વધુ કિશોરીઓ સહભાગીઓએ ચિત્ર
સ્પર્ધામાં ભાગ લઈ પોતાની કલા અને સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત પ્રોગ્રામ ઓફિસર સી.આર. પ્રસાદ, જિલ્લા ‘પા પા પગલી’ ઇન્સ્ટ્રક્ટર ભાવિતા બારૈયા તેમજ પૂર્ણા કન્સલ્ટન્ટ બંસીબેન ડોડીયા દ્વારા વિવિધ આંગણવાડી કેન્દ્રોની
રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કિશોરીઓ અને વાલીઓ સાથે આરોગ્ય
અને પોષણ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત, બાળકોના વાલીઓને પૂર્વ પ્રાથમિક શિક્ષણના મહત્વ તેમજ આંગણવાડી
કેન્દ્રો મારફતે આપવામાં આવતી વિવિધ સેવાઓ અને યોજનાઓના લાભ અંગે જરૂરી માર્ગદર્શન
આપવામાં આવ્યું હતું.
ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેનાર તમામ
બાળકો અને કિશોરીઓને પ્રોત્સાહનરૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર
પ્રવૃત્તિ દ્વારા બાળકો અને કિશોરીઓમાં સર્જનાત્મકતા વિકસાવવા સાથે આરોગ્ય, પોષણ અને સશક્તિકરણ અંગે જાગૃતિ
કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya