રાજકોટમાં લગ્નનો ખર્ચ પિયરથી લાવવા ત્રાસ અપાતાં નવોઢાએ ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો
રાજકોટ, 06 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટમાં લગ્નના માત્ર પાંચ જ મહિનામાં 19 વર્ષીય નવોઢાએ આજીડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેવાની કરૂણ ઘટના સામે આવી છે. લગ્નનો ખર્ચ અને દેણું ચૂકવવા પિયરથી પૈસા લઈ આવવા બાબતે સાસરિયાઓ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવ
ફરિયાદ


રાજકોટ, 06 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટમાં લગ્નના માત્ર પાંચ જ મહિનામાં 19 વર્ષીય નવોઢાએ આજીડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેવાની કરૂણ ઘટના સામે આવી છે. લગ્નનો ખર્ચ અને દેણું ચૂકવવા પિયરથી પૈસા લઈ આવવા બાબતે સાસરિયાઓ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે. આ મામલે મૃતકની માતાની ફરિયાદના આધારે થોરાળા પોલીસે પતિ સહિત ચાર સાસરિયા સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના ભાવનગર રોડ પર અમુલ સર્કલ પાસે પરિવાર સાથે રહેતી સંગીતા કારોડીયા ના લગ્ન આશરે પાંચ મહિના પહેલા સાવરકુંડલાના જીંજુડા ગામના રહીશ કિશન કારોડીયા સાથે થયા હતા. લગ્ન બાદ આ દંપતી અને પરિવાર રાજકોટ આવી ફુગ્ગા તથા રમકડાં વેચવાનો વેપાર કરતો હતો. જોકે, લગ્નજીવનના શરૂઆતના દિવસોથી જ નવોઢા સંગીતા માટે સાસરિયાઓનો ત્રાસ શરૂ થઈ ગયો હતો.

ગત સાતમ-આઠમના તહેવારો દરમિયાન સંગીતાએ તેના પિયરમાં ફોન કરીને સાસરિયાઓ હેરાન કરતા હોવાની વ્યથા ઠાલવી હતી. જેથી પરિજનો તેને પિયર લઈ આવ્યા હતા. સંગીતાએ પરિવારજનોને જણાવ્યું હતું કે, પતિ કિશન, સસરા મધુ, જેઠ મગન અને જેઠાણી કાજલ તેને એવું કહીને ત્રાસ આપતા હતા કે, 'તારા લગ્નમાં દેણું થઈ ગયું છે, જેથી તું તારા માતા-પિતાના ઘરેથી પૈસા લઈ આવ અને અમારું દેણું ભરપાઈ કરી દે.' આ ત્રાસના કારણે સંગીતા અઢી મહિના સુધી પિયરમાં રીસામણે રહી હતી, પરંતુ પાછળથી સાસરિયાઓએ સમાધાન કરી તેને પરત તેડી ગયા હતા.

સમાધાન બાદ પણ સાસરિયાઓની લાલચ અને માનસિક ત્રાસ ઓછો થયો ન હતો. થોડા દિવસો પહેલાં સંગીતાએ ફરી તેના પિયરમાં ફોન કરીને ગંભીર આપવીતી જણાવી હતી. સાસરિયાઓ તેની નાકની સોનાની નથણી વેચીને દેણું ભરવા માટે દબાણ કરી રહ્યા હતા. જ્યારે સંગીતાએ પોતાની નથણી આપવાની સ્પષ્ટ ના પાડી, ત્યારે સાસરિયાઓએ તેના પર ખોટા વહેમ અને શંકાઓ કરીને માનસિક હેરાનગતિ વધારી દીધી હતી. સંગીતાએ કંટાળીને માતા પાસે પૈસાની સગવડ કરી આપવા વિનંતી કરી હતી.

પુત્રીની વિનંતી સામે લાચાર માતા હંસા સામાભાઈ વાઘેલાએ પિતાની બીમારી અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે હાલ પૈસાની સગવડ થાય તેમ નથી તેમ જણાવ્યું હતું. પિયરથી પણ આર્થિક મદદ મળવાની શક્યતા ન જણાતાં અને સાસરિયાઓના અસહ્ય ત્રાસથી આખરે કંટાળીને ૧૯ વર્ષીય નવોઢા સંગીતાએ ગત 27 સપ્ટેમ્બરના રોજ આજીડેમમાં ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.

આ બનાવ અંગે મૃતક સંગીતાની માતા હંસાબેન સામાભાઈ વાઘેલા દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનમાં અધિકૃત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે મૃતકના પતિ કિશન કારોડીયા, સસરા મધુ, જેઠ મગન અને જેઠાણી કાજલ વિરૂદ્ધ નવોઢાને આપઘાત માટે મજબૂર કરવાનો ગુનો નોંધી આગળની કાનૂની તપાસ વેગવંતી બનાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande