
નવસારી, 06 ઓક્ટોબર (હિ.સ.)-આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર તથા નિયામક આયુષની કચેરી, ગાંધીનગરની પ્રેરણાથી અને જિલ્લા વિકાસ અધિકારી, નવસારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત નવસારી દ્વારા 7 ઓક્ટોબર, 2026ના રોજ ગણદેવી તાલુકાના ઉંડાચ લુહાર ફળિયા સ્થિત જલારામ હોલ ખાતે આયુષ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
કેમ્પનો સમય સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી રહેશે. અહીં આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિથી વિવિધ રોગોનું નિઃશુલ્ક નિદાન, સારવાર અને જરૂરી આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
કેમ્પમાં સંધિવા તથા સાંધાના રોગો માટે પંચકર્મ અને અગ્નિકર્મ દ્વારા પીડા નિયંત્રણ, ડાયાબિટીસ, હૃદયરોગ, બ્લડ પ્રેશર, પાચનતંત્ર અને શ્વસનતંત્ર સંબંધિત રોગો, ચામડીના રોગો તથા સ્ત્રીરોગોની સારવારની સુવિધા રહેશે. ઉપરાંત વૃદ્ધાવસ્થામાં થતા રોગો માટે પણ વિશેષ સારવાર અને માર્ગદર્શન આપવામાં આવશે.
પ્રકૃતિ પરીક્ષણ અને યોગ-પ્રાણાયામનું માર્ગદર્શન
કેમ્પમાં પ્રકૃતિ પરીક્ષણ, પથ્ય-અપથ્ય અંગે માર્ગદર્શન તથા યોગ અને પ્રાણાયામની માહિતી પણ આપવામાં આવશે. આ ઉપરાંત આયુર્વેદિક હર્બલ ટીનું વિતરણ અને ઔષધીય વનસ્પતિઓનું પ્રદર્શન પણ યોજાશે.
જિલ્લા આયુર્વેદ અધિકારીએ જાહેર જનતાને આ નિઃશુલ્ક આયુષ મેગા કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે