
સુરત, 06 ઓક્ટોબર (હિ.સ.): સુરત શહેરમાં કચરાના ઢગલામાં આગ લાગવાની વધુ બે ઘટનાઓ સામે આવી છે. વરાછા રોડ પર બુટ ભવાની મંદિર નજીક હોટ ફિક્સના કચરામાં અચાનક આગ લાગતા વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો રસ્તા પર દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આશરે અડધો કલાક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ટેક્સટાઇલ કચરાના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, જોકે સળગતી બીડી કે સિગારેટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીજી તરફ ગોડાદરા વિસ્તારમાં જોગણી માતાના મંદિર નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં સૂકી ઝાડની ડાળીઓ અને કચરાના જથ્થામાં આગ ભભૂકી ઊઠી હતી. સ્થાનિકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ ફાયર બ્રિગેડે પહોંચીને આગને સંપૂર્ણપણે ઓલવી કુલિંગની કામગીરી હાથ ધરી હતી. બંને બનાવોમાં કોઈ જાનહાનિ કે ઈજા ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે