રાજકોટના શાપરમાં સાયબર ફ્રોડ: યુવાનનો મોબાઈલ હેક કરી બેંકોમાંથી 3.41 લાખ ઉપાડી લેવાયા
રાજકોટ,06 ઓક્ટોબર (હિ.સ.) શાપર-વેરાવળ વિસ્તારમાં સાયબર ક્રાઇમની એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી કંપનીમાં સ્ટોરકીપર તરીકે કામ કરતા યુવાનનો મોબાઈલ ફોન હેક કરીને સાયબર માફિયાઓએ તેના બે જુદા જુદા બેંક એકાઉન્ટમાંથી કુલ 3.41 લાખની રકમ ઉપાડી લીધ
સાયબર ફ્રોડ


રાજકોટ,06 ઓક્ટોબર (હિ.સ.) શાપર-વેરાવળ વિસ્તારમાં સાયબર ક્રાઇમની એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી કંપનીમાં સ્ટોરકીપર તરીકે કામ કરતા યુવાનનો મોબાઈલ ફોન હેક કરીને સાયબર માફિયાઓએ તેના બે જુદા જુદા બેંક એકાઉન્ટમાંથી કુલ 3.41 લાખની રકમ ઉપાડી લીધી છે. આ અંગે યુવાને બેંક બેલેન્સ ચેક કરતાં સમગ્ર ફ્રોડનો ભાંડો ફૂટ્યો હતો, જેના આધારે શાપર પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની વિગતો અનુસાર, મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના વતની અને હાલ શાપરમાં રહેતા ચેતન ધીરૂભાઇ પરમાર છેલ્લા બે વર્ષથી શાપર સ્થિત શીનોવા ગેર કંપનીમાં સ્ટોરકીપર તરીકે ફરજ બજાવે છે. થોડા દિવસો પૂર્વે તેમના મોબાઈલ ફોનને કોઈ અજાણ્યા સાયબર ચાંચિયાઓએ હેક કરી લીધો હતો અને તેમની જાણ બહાર બેંક ખાતાઓમાંથી નાણાંની બારોબાર ટ્રાન્સફર કરી લીધી હતી.

ગત તારીખ 25ના રોજ ચેતનભાઇએ ગોંડલ ખાતે આવેલી તેમની આઇ.ડી.એફ.સી. બેન્કના ખાતાનું બેલેન્સ ચેક કરવા માટે મોબાઇલ એપ્લિકેશન ખોલી હતી. આ સમયે તેમને જાણવા મળ્યું હતું કે તેમના એકાઉન્ટમાંથી તબક્કાવાર રીતે વિવિધ અનધિકૃત ટ્રાન્ઝેક્શન કરીને કુલ 3,34,492 ની રકમ કપાત થઈ ગઈ હતી. જેને પગલે યુવાન સ્તબ્ધ થઈ ગયો હતો.

આ આઘાતમાંથી બહાર આવે તે પહેલાં જ 26/09/2026ના રોજ તેમની ગોંડલ ખાતેની કોટક મહેન્દ્ર બેન્કના એકાઉન્ટમાંથી પણ રૂ. 7,000 બારોબાર ઉપડી ગયા હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આમ, બંને બેંક એકાઉન્ટમાંથી થઈને કુલ રૂ.3,41,492 ની મોટી રકમની ઓનલાઈન ચોરી થઈ હોવાનું સ્પષ્ટ થતાં જ યુવાને તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી પોતાની ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી.

પોતાની સાથે થયેલી લાખો રૂપિયાની છેતરપિંડી અંગે યુવાને શાપર પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા સાયબર ઠગ સામે ઇન્ડિયન ન્યાય સંહિતા અને આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં શાપર પોલીસ સાયબર સેલની મદદ લઈને ટ્રાન્ઝેક્શનની વિગતો તેમજ હેકિંગના ટેકનિકલ સોર્સના આધારે સાયબર માફિયાઓનું સરનામું શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande