
જુનાગઢ,06 ઓક્ટોબર (હિ.સ.) ઓક્ટોબર મહિનો એ રવિ (શિયાળુ) પાકોના વાવેતર માટે સુવર્ણ સમય ગણાય છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવતા ખેડૂતો માટે ઓક્ટોબરમાં દેશી ચણા (Desi Chickpeas) નું વાવેતર કરવું એ સૌથી વધુ નફાકારક અને જમીનની ફળદ્રુપતા વધારતો શ્રેષ્ઠ વિકલ્પ છે.
ચણાને ખૂબ ઓછા પાણીની જરૂર પડે છે. ચોમાસા પછી જમીનમાં રહેલા ભેજનો ઉપયોગ કરીને આ પાક ઝડપથી સેટ થઈ જાય છે. ચણાના છોડના મૂળમાં રહેલી ગાંઠો વાતાવરણમાંથી નાઈટ્રોજન ખેંચીને જમીનમાં સ્થિર કરે છે, જેથી જમીન કુદરતી રીતે ફળદ્રુપ બને છે.
પ્રાકૃતિક પદ્ધતિથી વાવેતર કરવાથી રાસાયણિક ખાતર કે દવાનો ખર્ચ શૂન્ય થઈ જાય છે અને ઉત્પાદન ગુણવત્તાસભર મળે છે. ચોમાસું પાક લીધા પછી જમીનમાં હળથી 1-2 ખેડ કરવી જોઈએ. આખરી ખેડ વખતે એકર દીઠ 200 કિલો ઘનજીવામૃત જમીનમાં સારી રીતે ભેળવી દેવું. એકર દીઠ 25 થી 30 કિલો દેશી ચણાનું વાવેતર કરી શકાય છે. વાવણીના 2 કલાક પહેલા બિયારણ પર બીજામૃત છાંટીને છાંયડામાં સૂકવવું જોઈએ. બીજામૃતથી પટ આપવાથી ફૂગજન્ય રોગો જેમ કે સુકારો કે ઉગાવો નિષ્ફળ જવો સામે 100 % રક્ષણ મળે છે.
આગામી તારીખ ૧૫ ઓક્ટોબર થી ૩૧ ઓક્ટોબર સુધી વાતાવરણમાં ઠંડક શરૂ થતાં જ વાવણી કરવી જોઈએ. બે ચાસ વચ્ચે ૩૦ થી ૪૫ સેમી (1.5 ફૂટ) અને બે છોડ વચ્ચે 10 સેમી અંતર રાખવું. ચણાના પાકને સામાન્ય રીતે 2 થી 3 પિયતની જરૂર પડે છે.
પ્રથમ પિયત વાવણી સમયે જો જમીનમાં ભેજ ઓછો હોય તો આપી શકાય છે. બીજી પિયત ફૂલ આવવાના 15 દિવસ પહેલા કરવાની હોય છે. ફૂલ ખીલેલા હોય ત્યારે પિયત આપવું નહીં, નહિતર ફૂલ ખરી પડે છે. દર 15 થી 20 દિવસે એકર દીઠ 200 લીટર જીવામૃત પિયતના પાણી સાથે આપવું અથવા વાદળછાયા વાતાવરણમાં પાક પર પંપ વડે છંટકાવ કરવો.
ચણાના પાકમાં લીલી ઈયળનો ઉપદ્રવ દેખાય કે તરત જ ૫% લીમડાના અર્ક અથવા બ્રહ્માસ્ત્ર ૧૫ લીટર પાણીમાં ૫૦૦ મિલી નો છંટકાવ કરવો. સુકારો કે અન્ય ફૂગ સામે રક્ષણ માટે 15 દિવસ જૂની ખાટી છાશ 15 લીટરના પંપમાં 500 થી 750 મિલી ભેળવીને છંટકાવ કરવો.
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી એકર દીઠ સરેરાશ 8 થી 12 ક્વિન્ટલ ચણાનું ઉત્પાદન મેળવી શકાય છે. ચણાના પાકની સાથે 4 કે 6 ચાસ પછી 1 ચાસ રાઈ અથવા ધાણા વાવવાથી આંતરપાક તરીકે વધારાની આવક મળે છે અને જીવાતનો ઉપદ્રવ ઘટે છે. કેમિકલ ફ્રી પ્રાકૃતિક ચણાની બજારમાં ઉંચી માંગ હોય છે, જેથી સામાન્ય ચણા કરતાં 25 % થી 30 % વધુ ભાવ મળે છે. ઓક્ટોબર મહિનામાં પ્રાકૃતિક પદ્ધતિથી ચણાનું વાવેતર કરવાથી જમીનનું સ્વાસ્થ્ય જળવાય છે, પાણી અને ખાતરનો ખર્ચ બચે છે અને ઓછા ખરચે વધુ નફો મેળવી શકાય છે. જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ દેશી ગાયના છાણ-ગૌમૂત્ર આધારિત જીવામૃત અને બીજામૃતનો ઉપયોગ કરી સ્વસ્થ અને ઝેરમુક્ત ઉત્પાદન તરફ આગળ વધવું જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ