
સુરત, 06 ઓક્ટોબર (હિ.સ.)-સુરતના પરિવહન માળખામાં મેટ્રો રેલ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ પરિવર્તન લાવી રહ્યો છે. ટેકનોલોજી, આધુનિક એન્જિનિયરિંગ, પર્યાવરણ અને વારસાના સંરક્ષણના સમન્વય સાથે તૈયાર થઈ રહેલા આ પ્રોજેક્ટમાં અનેક વિશિષ્ટ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સુરત મેટ્રોના કોચના આંતરિક ભાગમાં શહેરની હીરા નગરી તરીકેની ઓળખને ધ્યાનમાં રાખીને ડાયમંડ કટ્સ આધારિત ડિઝાઇન કરવામાં આવી છે. સિલિંગ અને એલિવેશનમાં હીરાના વિવિધ કટ્સની થીમ જોવા મળશે. આ ઉપરાંત મસ્કતી હોસ્પિટલ અને લાભેશ્વર વિસ્તારમાં અંદાજે 110 ફૂટ ઊંડાઈએ સ્ટેક્ડ મેટ્રો સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. એક જ પ્રોજેક્ટમાં બે સ્ટેક્ડ સ્ટેશન ધરાવતો આ દેશનો પ્રથમ મેટ્રો પ્રોજેક્ટ હોવાનું જણાવાયું છે.
700 વર્ષ જૂના વૃક્ષ માટે બદલાયું મેટ્રોનું અલાઈનમેન્ટ
મેટ્રો પ્રોજેક્ટમાં પર્યાવરણ અને વારસાના સંરક્ષણને પણ મહત્વ આપવામાં આવ્યું છે. અડાજણ ગામમાં મેટ્રો માર્ગમાં આવતું 700 વર્ષથી વધુ જૂનું ઐતિહાસિક ચોર આમલીનું વૃક્ષ બચાવવા માટે મેટ્રોનું અલાઈનમેન્ટ બદલવામાં આવ્યું હતું. છ ભૂગર્ભ મેટ્રો સ્ટેશનને ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલના ગ્રીન ધોરણો મુજબ તૈયાર કરવામાં આવ્યા છે.
ખજોદ ખાતે આશરે 20 હેક્ટર વિસ્તારમાં ડ્રીમ સિટી ડેપો વિકસાવવામાં આવ્યો છે, જ્યાં એકસાથે 24 મેટ્રો ટ્રેન ઊભી રહી શકે તેવી વ્યવસ્થા છે. ડેપોમાં મેન્ટેનન્સ અને વોશિંગ પ્લાન્ટ ઉપરાંત પાણીના પુનઃઉપયોગ માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટની સુવિધા છે. અહીં 3,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
સુરત મેટ્રોમાં 750 વોલ્ટ ડીસી થર્ડ રેલ સિસ્ટમ દ્વારા વીજ પુરવઠો આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મજુરાગેટ સ્ટેશન કોરિડોર-1 અને કોરિડોર-2ને જોડતું શહેરનું પ્રથમ ઇન્ટરચેન્જ હબ બનશે.
સારોલી અને રઘુકૂલ ટેક્સટાઇલ માર્કેટ ખાતે 47,000થી વધુ નટ-બોલ્ટ અને 810 ટન સ્ટીલથી બનેલા 85 મીટર લાંબા ઓપન વેબ ગર્ડરનું નિર્માણ પણ પ્રોજેક્ટની એન્જિનિયરિંગ વિશેષતાઓમાં સામેલ છે. આમ, સુરત મેટ્રો આધુનિક પરિવહન સાથે ટેકનોલોજી, પર્યાવરણ અને શહેરની ઓળખને જોડતું માળખું ઊભું કરી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે