
રાજકોટ, 06 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટના રૈયાધાર વિસ્તારમાં ગાળો બોલવાની ના પાડવા જેવી નાની બાબતે મનદુઃખ રાખી બે ભાઈઓએ યુવક પર હુમલો કરી છરીનો ઘા ઝીંકી દીધાની ઘટના સામે આવી છે. કલરકામ કરતા યુવકના હાથ પર છરી વાગતાં તેને ચાર ટાંકા આવ્યા હતા અને ત્વરિત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના રૈયાધાર ઇન્દિરાનગર મફતિયાપરામાં રહેતા અને કલરકામ કરતા વિશાલ અમરશી વાઘેલાએ ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગઈકાલે રાત્રે સાડા દસેક વાગ્યે વિશાલ પોતાના ભાઈ કિશન તથા મિત્રો સાથે શાંતિનગર ગેટ પાસે આવેલા યુ.વી. પાન પાસે બેઠો હતો. તે સમયે શેરીમાં જ રહેતો અને કલરકામ કરતો સુનિલ મારવાડી ત્યાં આવીને મોટેથી દેકારો કરી ગાળાગાળી કરવા લાગ્યો હતો.
જાહેર સ્થળે ગાળો ન બોલવા માટે વિશાલે ટાંકતાં સુનિલે તેની સાથે બોલાચાલી શરૂ કરી દીધી હતી. તે સમયે વિશાલના ભાઈ કિશને વચમાં પડી સુનિલને ગાળાગાળી કર્યા વિના ઘરે જવા કહ્યું હતું, જેથી સુનિલ ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ વિશાલ શાંતિનગરમાં આવેલા ચૈતન્ય હનુમાન મંદિર પાસે જઈને બેઠો હતો. પરંતુ અગિયારેક વાગ્યે સુનિલ મારવાડી પોતાના ભાઈ વિકી મારવાડી સાથે હનુમાન મંદિર પાસે ધસી આવ્યો હતો.
'તું યુ.વી. પાન પાસે કેમ બહુ પંક્તિનો થતો હતો?' તેમ કહી બંને ભાઈઓએ ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો. વિશાલે ગાળો બોલવાની ના પાડતા વિકી મારવાડીએ ઉશ્કેરાઈને વિશાલને પેટ તથા પગના ભાગે આડેધડ પાટા મારી નીચે પછાડી દીધો હતો. ત્યારબાદ વિશાલ ઊભો થાય તે પહેલાં જ સુનિલે પોતાના નેફામાંથી છરી કાઢીને વિશાલના જમણા હાથના બાવળા પર એક સખત ઘા ઝીંકી દીધો હતો.
હુમલામાં લોહીલુહાણ થયેલો વિશાલ વધુ મારથી બચવા ભાગી છૂટ્યો હતો અને ભાઈને જાણ કર્યા બાદ 108 મારફતે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં તબીબોએ તેના બાવળા પર ચાર ટાંકા લીધા હતા. બનાવ સંદર્ભે ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસે આરોપી સુનિલ મારવાડી અને વિકી મારવાડી સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt