રાજકોટ : મહિકાના પાટીયે કૌટુંબિક ડખ્ખામાં મહિલા પર સાસુ-સસરા સહિત ચાર શખસોનો હુમલો
રાજકોટ, 06 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલી વૃંદાવન સોસાયટીમાં મધ્યરાત્રિના સમયે એક સનસનાટીભરી કૌટુંબિક હુમલાની ઘટના સામે આવી છે. ભાઈ અને ભાભી વચ્ચે ચાલતા ગૃહકંકાસ અને અફેરના મુદ્દાનું વેર રાખીને સાસરિયા પક્ષના
હુમલો


રાજકોટ, 06 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલી વૃંદાવન સોસાયટીમાં મધ્યરાત્રિના સમયે એક સનસનાટીભરી કૌટુંબિક હુમલાની ઘટના સામે આવી છે. ભાઈ અને ભાભી વચ્ચે ચાલતા ગૃહકંકાસ અને અફેરના મુદ્દાનું વેર રાખીને સાસરિયા પક્ષના ચાર લોકોએ મહિલાના ઘરે પહોંચી આતંક મચાવ્યો હતો. આ હુમલામાં મહિલા પર ઢોર માર મારી, બચકું ભરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

બનાવની વિગતવાર પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના મહીકાના પાટીયે આવેલી વૃંદાવન સોસાયટી ગેટ નંબર 1 ખાતે રહેતાં અને ઈમિટેશન કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં વસંતબેન મુકેશભાઈ ભાલીયા પોતાના પરિવાર સાથે ઘરે સુતાં હતાં. તારીખ 5 ઓક્ટોબર ના રોજ રાત્રિના આશરે અઢી વાગ્યાના સુમારે કોઈએ ઘરની ડેલી ખખડાવી હતી. વસંતબેને પોતાનો પુત્ર પ્રકાશ બહારથી આવ્યો હશે તેમ માની દરવાજો ખોલ્યો હતો, પરંતુ બહાર તેમના નાના ભાઈ વિજયના સસરા જયંતીભાઈ, સાસુ હંસાબેન તથા બે સાળા સંજય અને અજય ઉભેલા જોવા મળ્યા હતા.

દરવાજો ખુલતાં જ આરોપીઓએ ઉશ્કેરાઈને તમારો ભાઈ ક્યાં છે અને કેમ મારી દીકરી સાથે ઝગડો કરે છે તેમ કહીને હંસાબેને વસંતબેનનો હાથ પકડી તેમને ઘરની બહાર ખેંચી લીધાં હતાં. ત્યારબાદ આ ચારેય જણાએ સમાન ઈરાદો પાર પાડવા વસંતબેનને હાથે તથા શરીરે ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કરી ભુંડી ગાળો આપી હતી. આ મારામારી દરમિયાન હંસાબેને વસંતબેનના જમણા હાથે કાંડાથી ઉપરના ભાગે જોરથી બચકું ભરી લેતાં લોહી નીકળવા લાગ્યું હતું. વસંતબેને બૂમાબૂમ કરતાં પરિવારજનો જાગી જતાં આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા.

આ હુમલાનું મુખ્ય કારણ એ હતું કે વસંતબેનના નાના ભાઈ વિજયની પત્ની મીનાને શિવમ નામના અન્ય વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હોવાથી અગાઉ દંપતી વચ્ચે બોલાચાલી અને ઝગડો થયો હતો. આ બાબતની અદાવત રાખીને સાસરિયા પક્ષના ચાર લોકોએ વસંતબેનના ઘરે આવી હુમલો કર્યો હતો. ઘટના બાદ વસંતબેનના પુત્ર મહેશે 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને તાત્કાલિક સારવાર અર્થે સરકારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. આ બનાવ અંગે આજીડેમ પોલીસે ચારેય આરોપીઓ સામે બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande